(એજન્સી) તહેરાન, તા.૧૯
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે યુદ્ધ જહાજ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ઈરાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કર્યો. હવે અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ દાવા અંગે ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી અબ્બાસ અરાકચીએ કોઈપણ ડ્રોન ખોવાઈ ગયું હોવાનો ઈન્કાર કરી દીધો અને સંકેત આપ્યો કે કદાચ અમેરિકાએ ભૂલથી પોતાના જ ડ્રોનને તોડી પાડ્યું હોઈ શકે. ન તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અને ન તો અન્ય કોેઈ સ્થળ પર અમારૂં કોઈ ડ્રોન ખોવાયું છે. મને ચિંતા છે કે યુ.એસ.એસ. બોક્સરે ભૂલથી પોતાના જ યુ.એ.એસ.ને ગોળી મારી દીધી છે. આ અગાઉ ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ ઝરીફે પણ આવી ઘટનાઓનો ઈન્કાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે યુ.એસ.એસ. બોક્સરે, (અમેરિકી નૌકાદળનું એક જહાજ) એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું છે કે જેણે ૧૦૦૦ યાર્ડના (૯૧૪ મીટર) અંતરે ઉડાણ ભરીને અમેરિકી યુદ્ધ જહાજને ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તે ડ્રોનથી જહાજ અને જહાજના ચાલક દળની સુરક્ષા જોખમાઈ હતી. એવામાં આ ઈરાની ડ્રોનને તોડી પાડવાની કાર્યવાહીને રક્ષાત્મક કાર્યવાહીનું નામ આપવાનમાં આવી રહ્યું છે. એક તરફ ટ્રમ્પ દ્વારા ઈરાની ડ્રોનને તોડી પાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઈરાની વિદેશમંત્રીએ ટ્રમ્પના આ દાવાઓને નકારી કાઢ્યા છે. સશસ્ત્ર દળોના વરિષ્ઠ પ્રવક્તા અબોલ ફઝલ શેખાર્ચીએ જણાવ્યું હતું કે ફારસની ખાડી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રહેલા તમામ ઈરાની ડ્રોન સુરક્ષિત રીતે તેમની છાવણીમાં પાછા ફર્યા છે અને યુ.એસ.એસ. બોક્સર દ્વારા ડ્‌્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાની કોઈપણ બાબતનો હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી.