અમદાવાદ, તા.ર૪
શહેરના એક યુવકના ઘરમાં અડધી રાત્રે ઘૂસી જઇને તેના પરિવારજનોને હેરાન કરવા તેમજ ગેરવર્તણૂક કરીને સામાન રફે દફે કરવાના આક્ષેપ સાથે કરવામાં આવેલી એક અરજીને ધ્યાનમાં લઇને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર. પી. ઢોલરિયાએ મેઘાણીનગર પોલીસ મથકને આદેશ કરીને આ બાબતે અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી આગામી તા. ૪ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
કેસની વિગતો મુજબ મેઘાણીનગરમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે બંટી દિનેશકુમાર પરમારે એડવોકેટ મારફતે અરજી કરીને રજૂઆત કરી હતી કે, મેઘાણીનગર પોલીસના કર્મચારીઓ તેમની માતા અને ભાઇની હાજરીમાં અડધી રાત્રે અથવા વહેલી સવારે અચાનક ઘરે ઘૂસી આવે છે અને તપાસ કરવાના બહાને તેમના પરિવારજનોને હેરાન કરીને સામાન રફે દફે કરી નાખે છે. દારૂ વેચાતો હોવાની શંકાના આધારે પોલીસ આ વર્તણૂક કરે છે પરંતુ તેઓ કોઇ ગેરકાયદેસર ધંધો કરતા નથી. ઉલટાનું આ વિસ્તારમાં બીજા દસથી વધારે વ્યક્તિઓ દારૂનો ધંધો કરતા હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે ગત તા.૧૩ ઓક્ટોબરના રોજ પરમારે ગૃહ સચિવ, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓને લેખિતમાં અરજી કરીને પોલીસ હેરાનગતિ ના કરે તેમજ અગાઉ કરેલી હેરાનગતિ બદલ બે લાખ રૂપિયાના વળતરની માગણી કરી હતી. જો કે, આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેમણે પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસનો ત્રાસથી છૂટકારો મેળવવા દાદ માગી હતી.
હાઇકોર્ટમાં કરાયેલી પિટીશનમાં પોલીસ સબ ઇન્સ્પેટ્‌કટ સિંઘલ તથા કર્મચારીઓ રમેશભાઇ, વનરાજસિંહ, કિરણસિંગ સહિતના અડધો ડઝન કર્મચારીઓને ત્રાસ ગુજારવા બદલ જવાબદાર ગણાવ્યા હતા. રાજ્યના ગૃહ સચિવ અને પોલીસ કમિશનરને પક્ષકાર બનાવીને પોલીસ દ્વારા દમન ના ગુજારવામાં આવે તેવી દાદ માગી હતી. આ બાબતે સુનાવણી હાથ ધરીને કોર્ટે પોલીસ વિભાગમાંથી આક્ષેપો અંગે અહેવાલ મંગાવ્યો હતો.