(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સુપ્રીમકોર્ટે પોતાના ઉપર મૂકાયેલ સરકાર સમર્થક હોવાના આક્ષેપોને રદિયો આપ્યો હતો. કોર્ટે સોશિયલ મીડિયા ઉપર થઈ રહેલ ટિપ્પણીઓ બદલ પોતાની નારાજગી અને ચિંતા દર્શાવી હતી. જજ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું કે આક્ષેપો મૂકનારાઓએ સુપ્રીમકોર્ટમાં બેસીને સમગ્ર કાર્યવાહીનો અભ્યાસ કરવો જોઈએ અને જુએ કે કેટલા કેસોમાં અમે સરકારોની ઝાટકણીઓ કાઢીએ છીએ અને નાગરિકોની તરફેણમાં ચુકાદાઓ આપીએ છીએ. અમોએ થોડા દિવસો પહેલાં સુપ્રીમકોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષની ટીવી મુલાકાત થઈ જોઈ હતી જેમાં એમણે કહ્યું કે સુપ્રીમકોર્ટના મોટા ભાગના જજો સરકાર સમર્થક છે. જજે કહ્યું કે, ટ્‌વીટના નામે ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. અમે સુનાવણી દરમિયાન જે કંઈ કહીએ છીએ એ બધુ ટ્‌વિટર ઉપર આવી જાય છે. સુપ્રીમકોર્ટે આ ટિપ્પણી બુલંદશહેરના બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં આઝમખાન દ્વારા કરાયેલ ટિપ્પણીની સુનાવણી ચાલી રહી હતી. સુપ્રીમકોર્ટને હાલમાં જ કર્ણાટક હાઈકોર્ટના જજ જયંત પટેલની બદલી માટે પણ આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો. બદલીના વિરોધમાં જયંત પટેલે રાજીનામું આપી દીધું હતું જેનાથી આલોચનાઓ વધુ તીવ્ર બની હતી. કોલેજિયમની આલોચના કરવામાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન પણ મોખરે હતી અને ખુલ્લો પત્ર લખ્યો હતો.