(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર,તા.૩૧
રાજ્ય સભા સાંસદ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે ર૦૧૯ની પૂર્વસંધ્યાએ પાઠવેલા શુભેચ્છા સંદેશમાં તમામ દેશવાસીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ઈ.સ. ર૦૧૯ના પ્રારંભ નિમિત્તે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે, નૂતન વર્ષને નવી ઉર્જા, ઉમંગ અને આશા સાથે ઉજ્જવળ ભવિષ્યની પરિકલ્પના કરી તેને વધાવી લઈએ. ર૦૧૯ના શુભારંભની સાથે આપણા સર્વમાં સદાચાર, ભાઈચારો, એકતા જેવા ગુણો વિકાસ પામે અને તે દ્વારા રાષ્ટ્રને મજબૂત બનાવીએ જેથી કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરી શકીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદાચાર અને સદગુણોએ નવતાની આધારશિલા છે. દેશના લોકોમાં માનવતાના મૂલ્યોનું સિંચન કરી તેનો વિકાસ થશે તો દેશ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સફળતાના શિખરો અચૂક સર કરશે. આવનાર નૂતન વર્ષ સમગ્ર દેશવાસીઓ માટે સમૃદ્ધ મંગલમય, સુખાકારી અને સલામતી આપનારૂં બની રહે તેવી ખૂબખૂબ શુભેચ્છાઓ.