અમદાવાદ, તા.૧૨
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલની જીતને પડકારતીં બળવંતસિંહ રાજપૂતની અરજીમાં હાઈકોર્ટે કેટલાક મુદ્દા ફ્રેમ કરી બંને પક્ષે પોતાની સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે. પિટીશનની સુનાવણી ૧૮મી જાન્યુઆરીએ હાથ ધરાશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલની જીત સામે હાઈકોર્ટમાં ઈલેક્શન પિટીશન કરી છે. જેમાં અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને બળવંતસિંહની પિટીશન ચાલી શકે તેમ નથી તેવી રજૂઆત કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચલાવવા આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે જે મુદ્દા ફ્રેમ કર્યા છે તે નીચે મુજબ છે
• શું અહેમદ પટેલે ખોટી લાગવગનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે ? અહેમદ પટેલે એવું કોઈ પગલું ભર્યું છે, જે પબ્લિક રિપ્રેઝન્ટેશન એક્ટની વિરૂદ્ધનું હોય ?
• અહેમદ પટેલના ચૂંટણી એજન્ટની મદદથી ખોટી રીતે અહેમદ પટેલની જીત થઈ છે ? તેથી તેને રદ્દ કરવી જોઈએ ?
• કુદરતની ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધ સેન્ટ્રલ ઈલેક્શન કમિશને આપેલો આદેશ પહેલાથી રદ્દ થવા યોગ્ય હતો ? આ પ્રકારના હુકમની સત્તા તેમને હતી કે નહી ?
• અન્ય બે મતદારો શૈલેષ પરમાર અને મિતેશ ગરાસિયાના મતને મંજૂર રાખવાથી અને ભોલાભાઈ ગોહિલ તથા રાઘવજીભાઈ પટેલના મત નામંજૂર રાખવાને કારણે અરજદાર ઉમેદવારના પરિણામને કોઈ અસર થઈ છે ? જો બંને મતો માન્ય રાખ્યા હોત તો કઈ સ્થિતિ હોત ?
• હાઈકોર્ટે બનાવેલા ઉક્ત મુદ્દા પર એવી રજૂઆત કરાઈ હતી કે, કોર્ટ દ્વારા નક્કી કરાયેલા ફ્રેમને લીધે ઈલેક્શન પિટીશન પર ઝડપથી નિર્ણય લેવાશે.