પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટ દ્વારા કરજણ નજીક પીંગલવાડા ગામ ખાતે ગૌશાળાનું ઉદ્દઘાટન  મોરારીબાપુના હસ્તે રાજ્યસભાના સભ્ય અહમદભાઇ પટેલની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટનાં કદીરબાવા પીરઝાદાના હસ્તે પૂ.મોરારાબાપુનું તેમજ રફીકબાવા પીરઝાદાના હસ્તે અહમદભાઇ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીંગલવાડા ખાતે બંધાયેલ ગૌશાળા પણ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૭
આતંકવાદીઓ સામેની લડાઇમાં કોંગ્રેસ સરકાર સાથે છે. રાફેલ ફાઇટર પ્લેનની ફાઇલ ચોરી શરમજનક ઘટના છે. પ્રદેશ અને કેન્દ્રમાં સરકાર નિષ્ફળ છે. કમજોર છે, ફકત વાતોજ કરે છે. લશ્કરની હિંમત વધારવી જોઇએ. તેમની આલોચના ક્યારેય ન થઇ શકે. પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાની સ્થાપના અભિનંદનને પાત્ર છે. આવકારદાયક પગલું છે. તેમ કરજણ તાલુકાના પીંગલવાડા ગામે ગૌશાળાના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહમદભાઇ પટેલે જણાવ્યું હતું. ગૌશાળાનું ઉદ્દઘાટન રામકથાકાર મોરારીબાપુએ કર્યું હતું. અહેમદભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગૌશાળા ઉપર રાજનિતી કરવી ન જોઇએ. હાલમાં પ્રદેશ અને કેન્દ્રની સરકાર નિષ્ફળ પુરવાર થઇ છે. જનતા સરકારને ઓળખી ચૂકી છે. આવી કમજોર સરકાર મેં ક્યારેય જોઇ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબી, ખેડૂતોના પ્રશ્નોથી પરેશાન છે. સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા પ્રયત્ન કરી રહી છે. આતંકવાદ સામે કોંગ્રેસ હંમેશા લડી પોતાના જીવન કુરબાન કરેલા છે. ભૂતકાળમાં ભાજપ સરકાર આતંકવાદીઓને કંદહાર છોડવા ગઇ હતી. એક પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં ધારાસભ્યો ભાજપમાં જશે નહીં. ભૂતકાળમાં જે ભાજપમાં જોડાયા છે. તેમની સલાહ લેવી જોઇએ. પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે તેવા પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતા તેમણે કહ્યું કે, આ પ્રદેશ નેતાગીરી કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીને ભલામણ કરશે પછી નિર્ણય લેવામાં આવશે. અમને અમારા ધારાસભ્યો ઉપર વિશ્વાસ છે તેેઓ ભાજપમાં નહીં જોડાય તેની અમને ખાત્રી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે મોરારીબાપુએ જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ ગૌ સેવા કરવા આગળ આવ્યો છે તે પ્રશંસનીય અને ગૌરવની વાત છે. હવે હિન્દુ સમાજે પણ આગળ આવી આ ઉત્તમ કાર્યને બિરદાવવું જોઇએ. આ ગૌશાળાની સ્થાપનાથી કોમી એકતા વધુ મજબુત બનશે. તેમજ જે-તે સમયે ૧૧૦૦૦ રૂપિયા દાનમાં આપી આ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓને ગૌશાળાની કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા અને આજે આ વિશાળ ગૌશાળાની સ્થાપનાથી હું ખુશ છું. અને દેશમાં આવીજ રીતે કોમી એકતા અને ભાઇચારો જળવાઇ રહે એવી હું પ્રાર્થના કરૂ છું. ગૌશાળાના સ્થાપક અને પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટનાં ટ્રસ્ટી કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે, પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટનાં ઉપક્રમે દેશમાં સૌ પ્રથમ ગૌશાળાની સ્થાપના કરવામાં આવી છે. અમારા પૂર્વજોએ ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશો આપ્યો હતો જેને અમે આગળ વધારી રહ્યાં છીએ. ગૌ શાળાની આવક કુપોષણથી પીડિત બાળકો પાછળ વાપરવામાં આવશે. મોરારીબાપુએ આપેલા નાનકડા દાનમાંથી ગૌશાળા સ્થાપવાની પ્રેરણા મળી હતી. જે આજે સાકાર થઇ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટમાં કદીર પીરઝાદા સહિત તેમના ભાઇ રફીક પીરઝાદા ટ્રસ્ટીઓ છે. સાહિત્યકાર ગુણવંત શાહે ગૌશાળાનાની સ્થાપનાને કોમી એકતાની મિશાલ ગણાવી હતી. ગૌશાળાના ઉદ્દઘાટન વેળા પાદરાના ધારાસભ્ય જશવંતસિંહ પઢીયાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, શૈલેષભાઇ પરમાર તેમજ ઝઘડીયાના ગાદીપતિ રફીકબાવા પીરઝાદા તેમજ પીરઝાદા પરિવારના સભ્યો ઉપરાંત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ વડોદરા મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.