અમદાવાદ,તા.૧૯
ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાના પિતા-પુત્ર મોતને ભેટયા હતા. ત્યારે તેમની અંતિમવિધિમાં જવા માટે તેમના પરિવારના અમદાવાદના એક દંપતિને ન્યુઝીલેન્ડ જવા માટે વીઝા અને ટિકિટની વ્યવસ્થા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદભાઈ પટેલે કરી આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડયું છે. AICCના ખજાનચી અને રાજયસભાના સાંસદ અહમદ પટેલનું નામ રાજકારણમાં તો ઊંચુ જ છે. પરંતુ સમાજ સેવામાં પણ તેઓ મૂઠ્ઠી ઊંચેરા જોવા મળે છે ત્યારે અહમદભાઈ પટેલની ઉદારતા અને માનવતાનો વધુ એક ઉત્તમ દાખલો જોવા મળ્યો છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડમાં આતંકી હુમલામાં વડોદરાના આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરાનું મોત નિપજયું હતું. ત્યારે તેમના પરિવારજન રોશનબેન વોરા અને શફી વોરાને ન્યુઝીલેન્ડ જવું હતું. પરંતુ ઝડપથી વીઝા મેળવવાના હતા એટલે તેમણે સાંસદ અહમદભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારે અહમદભાઈએ તેમને વીઝાની સાથે સાથે રિટર્ન ટિકિટની પણ વ્યવસ્થા કરી આપી. આ અંગે શફી વોરાએ ‘ગુજરાત ટુડે’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા સંબંધીનું ન્યુઝીલેન્ડના આતંકી હુમલામાં મોત થયું હતું. તેથી તેમની અંતિમવિધિમાં મારે પત્ની સાથે જવું હતું. પરંતુ અમારી પાસે વીઝા ન હતા. એટલે મેં અહમદભાઈ પટેલનો સંપર્ક કરી તેમને માત્ર વીઝા કઢાવી આપવા મામલે મદદ કરવા કહ્યું હતું. ત્યારે નેકદિલ અહમદભાઈએ અમારા વીઝાની સાથે રીટર્ન ટિકિટની પણ વ્યવસ્થા તેમના તરફથી કરી આપી હતી. જો કે મેં ટિકિટ માટે ના પાડી છતાં તેમણે પ્રેમપૂર્વક ટિકિટ કરી આપી હતી એમ શફી વોરાએ જણાવ્યું હતું. આમ નેકદિલ અને હંમેશાં લોકોની વહારે આવતા ખરા અર્થમાં પ્રજાના સેવક સાંસદ અહમદભાઈ પટેલની માનવતા અને દિલેરી વધુ એકવાર જોવા મળી છે.