(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
લોકસભાની ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે ભાજપની કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાત ખુંદી રહ્યા છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલ પણ સભાઓ ગજવી રહ્યા છે. સાથે-સાથે પત્રકાર પરિષદ પણ સંબોધી રહ્યા છે. આજરોજ રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં સૌરાષ્ટ્રની પાંચ બેઠકો સાથે ૧પ બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે જ્યારે દેશમાં ભાજપ ૧૬૦ બેઠકો અને એનડીએ ર૦૦ બેઠકો પર જ સમેટાઈ જશે.
કોંગ્રેસના નેતા અને સાંસદ અહમદ પટેલે ભાજપ સરકારના પાંચ વર્ષના શાસન પર આકરા પ્રહારો કરી ભાજપ સરકાર પાસે પાંચ વર્ષ તેમણે કરેલા વાયદાનો હિસાબ માંગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં સત્તામાં રહેલા વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમણે કરેલા વાયદા અને કાર્યોનો હિસાબ આપવાને બદલે કોંગ્રેસ પાસે હિસાબ માંગે છે. તેથી એ વાત સ્પષ્ટ છે તેમણે કશું જ કર્યું નથી તેના લીધે હિસાબ આપી શકતા નથી. જે પક્ષ સત્તામાં હોય તેણે હિસાબ આપવાનો હોય પરંતુ પ્રજા હવે સમજી ગઈ છે પરિણામો બાદ મોદી માજી વડાપ્રધાન હશે.
મોદી સરકાર છેલ્લા પાંચ વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. નોટબંધી અને જીએસટી પણ નિષ્ફળ નીવડી છે. જેના લીધે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અહમદ પટેલે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારના પાંચ વર્ષના શાસનમાં સમાજનો દરેક વર્ગ દુઃખી છે. મોદી રાજમાં બેરોજગારી વધી છે તેમજ તેના લીધે યુવાનો પણ પરેશાન છે. જયારે જીએસટીના લીધે વેપારીઓ પરેશાન છે. ખેડૂતો પણ તેમના પાકના ભાવ અને વધતા દેવાથી પરેશાન છે. જ્યારે મહિલાઓ પણ તેમની સુરક્ષાને લઈને સતત ચિંતિત છે. જેમાં પણ વડાપ્રધાન મોદીએ ઉજ્જવલા યોજના હેઠળ એક ગેસ સીલીન્ડર તો આપ્યો પરંતુ તેને ભરાવવામાં તેમની પાસે નાણા નથી. આ ઉપરાંત જમીન છીનવી લેવાતા આદિવાસીઓ પણ નારાજ છે. તેમજ દલિત સમાજ પર વધતા અત્યાચારથી તે પણ પરેશાન છે. આમ મોદી સરકારના શાસનમાં સમાજનો દરેક વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. કોંગ્રેસના નેતાના ભાજપમાં પ્રવેશ અંગે જવાબ આપતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, સત્તા અને પદની લાલચમાં તેમના અંગત સ્વાર્થ માટે તે ભાજપમાં જોડાય છે. તેથી કોંગ્રેસે હવે ટીકીટ આપતા સમયે વધુ કાળજી લેવી પડશે. આ ઉપરાંત આ મુદ્દે ભાજપ પણ બેવડી નીતિ ધરાવે છે. હાર્દિક પટેલ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા અહમદ પટેલે આ ઘટનાને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે, લોકશાહીમાંના દરેક વ્યક્તિને પોતાનો અવાજ બુલંદ કરવાનો અધિકાર છે. હાર્દિક માત્ર કોંગ્રેસનો પ્રચાર કરે છે એટલે તેમની પર હુમલો થાય તે યોગ્ય નથી.