તા.ર૭
અહમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે આજે વધુ સુનાવણી માટે ૧૮ ઓક્ટોબરની મુદ્‌ત આપી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૧૫મી ઓક્ટોબરે સુપ્રીમમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. ૧૫ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ હાઇકોર્ટમાં સુનાવણી થશે. હાઇકોર્ટમાં જો ૧૮મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે તો તે લગભગ છેલ્લી હશે. બંને પક્ષોની સુનાવણી બાદ ચૂકાદો આવી શકે છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આ અરજી અંગે સુનાવણી ન કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં હાલ આ અંગેની સુનાવણી ચાલુ હોઇ સુપ્રીમ કોર્ટમાં સુનવણી બાદ જ આ અંગે સુનાવણી કે ચુકાદો આપવા અંગે નિર્દેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે ભાજપના બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટમાં કરાયેલી અરજી વિરુદ્ધ અહમદ પટેલે સુપ્રીમમાં પીટિશન દાખલ કરી હતી. આ પીટિશન પર ૯ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ એ.એમ.ખાનવિલકર અને ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની બેંચે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટને બળવંતસિંહ રાજપૂતની અરજી પર રોક લગાવવાનો આદેશ કર્યો હતો. ગત રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી અહમદ પટેલ મેદાનમાં હતા, જ્યારે ભાજપે તેમની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં બે ધારાસભ્ય ભોળાભાઈ પટેલ અને રાઘવજી પટેલના મત ચૂંટણી પંચે રદ કર્યા હતા. તેની સાથે જ ગુજરાતની બેઠક પરથી અહમદ પટેલનો વિજય થયો હતો. ચૂંટણી પંચના નિર્ણય સામે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રદ કરવામાં આવેલા મતોને યોગ્ય ઠેરવવાની માંગ કરી હતી.