(મુનીર શેખ) અંકલેશ્વર, તા.૨૬
અંકલેશ્વર હાઈવે પર આવેલ ખરોડ ચોકડી બાબતે રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી, જેનો સાનુકૂળ પ્રતિસાદ આપતા નીતિન ગડકરીએ ખરોડ ચોકડી પર અન્ડર પાસની મંજૂરી આપી દીધી છે. દેશનો સૌથી વધુ વ્યસ્ત એવો નેશનલ હાઈવે નંબર આઠ છે. અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતોના કારણે આ વિસ્તારમાં ર૪ કલાક ભારેથી અતિભારે વાહનોથી અવિરત ધમધમતો રહે છે. એમાં પણ અંકલેશ્વર-પાનોલી વચ્ચે ખરોડ ચોકડી વિસ્તાર સૌથી વધુ એક્સિડન્ટ સર્જે છે અને કેટલાયે જીવલેણ અકસ્માતો પણ આ જ ચોકડી પર નોંધાયા છે. આ અંગે સ્થાનિક રહીશોથી લઈને આગેવાનોએ પણ અનેકવાર નેશનલ હાઈવે ઓથોરિટીને ખરોડ ચોકડી વિસ્તાર માટે રજૂઆત કરી હતી, તેમ છતાંય પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતે કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા ન હતા. છેવટે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંદ અહમદ પટેલને તાજેતરમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના સંદર્ભે અહમદ પટેલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને તાત્કાલિક ખરોડ ચોકડી વિસ્તારમાં ફ્લાય ઓવર બને એની માંગ કરી હતી. અહમદ પટેલે પોતાના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જૂન ર૦૧૮ના બજેટમાં નેશનલ હાઈવે નં.૮ પર એક્સિડન્ટ ઝોન હોય એવા વિસ્તારોમાં અન્ડરપાસ બનાવવા માટે અને ખાસ તો ખરોડ ચોકડી વિસ્તારમાં નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર થઈ છે, તેમ છતાં પણ એ દિશામાં હજુ સુધી કોઈ કામગીરી થઈ ન હતી. અહમદ પટેલના પત્રના અનુસંધાનમાં રર નવેમ્બરે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાત્કાલિક અસરથી પગલાં લઈ બને એટલી એટલી વહેલી તકે ખરોડ ચોકડી પર અન્ડરપાસ બને એ માટે મંત્રાલયને અને અધિકારીઓને જણાવી દીધું છે. આ પત્રની નકલ પણ તેમણે અહમદ પટેલને મોકલી આપી છે.

ખરોડ ચોકડી પર રોજના
હજારો વાહનચાલકો, મુસાફરો, વિદ્યાર્થીઓ અવર-જવર કરે છે

ખરોડ ગામ હાઈવેની લગોલગ ગામ છે. આજ ગામમાં સ્કૂલ, અંકલેશ્વર પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા, વોકેશનલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ, કોલેજ હોસ્પિટલ, ઉદ્યોગોમાં નોકરી પર જતા કામદારો અને રોજના સેંકડો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો નિયમિત રીતે ખરોડ ચોકડીનો જ ઉપયોગ કરે છે. આથી અકસ્માતની સંભાવના ઘણી વધી ગઈ છે. વળી નેશનલ હાઈવે પરની આ ચોકડી હોવાથી અમદાવાદથી મુંબઈ કે મુંબઈથી અમદાવાદ જતા કારથી લઈને ટ્રક, ટેન્કર, કન્ટેનર્સ જેવા ભારે વાહનો પણ બેફામ ઝડપે હંકારે છે, જેને લઈને સૌથી વધુ અકસ્માતો ખરોડ ચોકડી પર સર્જાઈ રહ્યા છે. તમામ સંસ્થાઓની વારંવારની રજૂઆત બાદ પણ ગુજરાત સરકાર, એનએચઆઈ કે કેન્દ્ર સરકાર આ ગંભીર ઘટનાની નોંધ લેતી ન હતી. જો કે, અહમદ પટેલની રજૂઆત બાદ ખરોડ ચોકડી પર અન્ડર પાસની મંજૂરી મળી છે. જેનાથી લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.