(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઇસીસી)માં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા છે. ગાંધી પરિવારના બહુ જ નિકટના ગણાતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ સહિત કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓની નવી ભૂમિકા જાહેર કરવામાં આવી છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા અહમદ પટેલને તેમના જન્મદિવસ ૨૧મી ઓગસ્ટે એઆઇસીસીના ફરી ખજાનચી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મોતીલાલ વોરા કોંગ્રેસ પાર્ટીના ખજાન્ચી હતા. એવું માનવામાં આવે છે કે મોતીલાલ વોરાની વધતી વયને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લીધો છે. જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રી પ્રધાન આનંદ શર્માને પક્ષના વિદેશી બાબતોના વિભાગના અધ્યક્ષ નિયુક્‌ત કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે પણ કામગીરી કરનારા અહમદ પટેલને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નવી ટીમમાં મહત્વની ભૂમિકા આપવામાં આવી છે. મોતીલાલ વોરાને નવા મહામંત્રી (વહીવટીતંત્ર) બનાવવામાં આવ્યા છે. મોતીલાલ વોરા માટે આ નવો હોદ્દો ઉભો કરવામાં આવ્યો છે અને પક્ષના મહત્વના હોદ્દેદાર તરીકે તેઓ ચાલુ રહેશે. જ્યારે લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ મીરા કુમારને કોંગ્રેસ કારોબારી સમિતિનાં સ્થાયી આમંત્રિત સભ્ય બનાવવામાં આવ્યાં છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ અને વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી જરૂરી ફેરફાર કરી રહી છે. નોંધનીય છે કે અગાઉ, ૧૭મી જુલાઇએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની નવી કારોબારી સમિતિમાં ૫૧ સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા. તે સમયે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા જનાર્દન દ્વિવેદીને પાર્ટીની કારોબારીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તે સમયે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ નિયુક્‌ત કરાયા હતા.

કોને કઇ જવાબદારી સોંપાઈ

– અહમદ પટેલ- ખજાનચી
– આનંદ શર્મા-વિદેશી બાબતોના વિભાગના અધ્યક્ષ
– મીરા કુમાર- કારોબારીના સ્થાયી આમંત્રિત સભ્ય
– લુઇજિન્હો ફ્લેરિયો- ઉત્તરપૂર્વના રાજ્યોના ઇન્ચાર્જ મહામંત્રી
– મોતીલાલ વોરા- નવા મહામંત્રી (વહીવટીતંત્ર)