(એજન્સી) તા.ર૬
ભાજપ નેતાએ કોંગ્રેસ નેતા અહમદ પટેલની રાજ્યસભા ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી હતી એની સામે પટેલે અરજીના ટકવાપાત્રતાને પડકારતી અરજી દાખલ કરી હતી. એ અરજીની નવેસરથી સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટની બેંચના જજો સીજેઆઈ દીપક મિશ્રા અને જજો એ.એમ. ખાનવિલકર અને જજ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, પટેલની ભાજપ નેતા બલવંતસિંઘ રાજપૂત સામે દાખલ થયેલ અરજીની સુનાવણી ફરીથી થવી જોઈએ.
પટેલ ગયા વર્ષે રાજપૂતને હરાવીને રાજ્યસભામાં ચૂંટાયા હતા. રાજપૂતે થોડા જ સમય પહેલાં કોંગ્રેસ છોડી હતી અને ભાજપ સાથે જોડાયા હતા.
ચૂંટણીપંચે કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો ભોળાભાઈ ગોહિલ અને રાઘવભાઈ ગોહિલના મતો રદ કર્યા હતા. જેના લીધે કોંગ્રેસની જીત થઈ હતી. પંચના નિર્ણયના લીધે જીત માટે મતોની સંખ્યા ૪પથી ઘટી ૪૪ થઈ ગઈ જેથી પટેલ જીત્યા.
પટેલની ચૂંટણી પછી તરત જ રાજપૂતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી ચૂંટણી પંચના નિર્ણયને રદ કરવા માગણી કરી હતી, જેમાં પંચે બે બળવાખોર ધારાસભ્યોના મતો રદ કર્યા હતા. રાજપૂતે જણાવ્યું હતું કે, જો આ રદ થયેલ મતો ગણતરીમાં લેવાયા હોત તો પટેલની હાર થઈ હોત.
રાજપૂતે એ પણ આક્ષેપ મૂક્યો હતો કે, પટેલ પક્ષના બધા ધારાસભ્યોને બેંગ્લુરૂના એક રિસોર્ટમાં લઈ ગયા હતા જેથી મતદારોને લાંચ આપી શકાય.
પટેલે રાજપૂતની અરજીને પડકારતાં જણાવ્યું કે, એમની અરજી રદ થવી જોઈએ કારણ કે એમણે સામાવાળાને અરજીની ખરી નકલ આપી નથી જે અનિવાર્ય છે.
હાઈકોર્ટે જો કે પટેલની અરજી રદ કરતાં જણાવ્યું કે, અરજદારે કાયદાની જોગવાઈઓ મુજબ અરજી દાખલ કરી છે અને જે ખામીઓ દર્શાવાય છે એમને સરળતાથી દૂર કરી શકાય છે.
પટેલે હાઈકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી જણાવ્યું કે રાજપૂતની અરજી ‘ગુણદોષથી વંચિત’ છે અને અરજીમાં ‘દાવાનું કારણ’ રજૂ કર્યું નથી.
વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ રરમી એપ્રિલના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેમણે અરજી રદ કરી હતી.
પટેલે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ચૂંટણી બાબતની અરજી સંપૂર્ણ રીતે ટકવાપાત્ર નથી જેથી પ્રથમ દૃષ્ટિએ જ રદ કરવી જોઈએ, કારણ કે એનાથી આરપીએની જોગવાઈઓનો ભંગ થાય છે.
અરજીમાં જણાવાયું છે કે ચૂંટણીપંચના નિર્ણયને ચૂંટણી અરજીમાં પડકારી શકાય નહીં. અરજદારે (રાજપૂતે) ચૂંટણી અરજીને સીપીસીના ઓર્ડરને નિયમ ૧૧ હેઠળ રજૂ કરી છે જેમાં ચૂંટણી અરજીને રદ કરવા માગણી કરાઈ હતી પણ એમાં દાવાનું કારણ જણાવ્યું નથી.