અંકલેશ્વર, તા.૫
વિધાનસભાની ચૂંટણી આવતા જ ગુજરાતમાં કોંગ્રેસ સંગઠને પોતાની પકડ જમાવવાની શરૂઆત કરી દીધી છે. અંકલેશ્વર ખાતેથી કોંગીના દિગ્ગજ નેતાઓએ બુધવારથી સંગઠન મજબૂત કરવાનો શુભારંભ કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અંકલેશ્વરના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ કોંગી અગ્રણીઓ અંકલેશ્વર ખાતે બુધવારે આવી પહોંચ્યા હતાં. અંકલેશ્વર હાઈવે પરની એક હોટલ ખાતે અહમદભાઈ પટેલ સહિતના આગેવાનોના સ્વાગતની તૈયારી રાજસ્થાન સમાજ-અંકલેશ્વર દ્વારા કરાયું હતું. અહમદભાઈ પટેલને રાજસ્થાન સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રાજસ્થાની ઢબે સાફો પહેરાવી સ્વાગત કરાયું હતું. અહમદભાઈ પટેલે તમામનો આભાર માનીને કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સંગઠનશક્તિથી ભાજપા ડરી ગઈ છે અને એટલે જ વારંવાર વડાપ્રધાન તથા રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત આવવું પડે છે. કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે અંકલેશ્વરના રાજસ્થાની સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંગઠનને મજબૂત કરવા અને કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજના આગેવાનો ઉપરાંત ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા કોંગ્રેસ પ્રવકતા નાઝુ ફડવાલા, કોંગ્રેસના ધારાસભ્ય સહિત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. નોંધનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે દક્ષિણ ગુજરાતથી સંગઠનને મજબૂત અને ચેતનવંતુ બનાવવા માટે સંગઠન યાત્રાની શરૂઆત કરી છે. જેનો પ્રથમ પડાવ અંકલેશ્વર ખાતે હતો.
અહમદ પટેલે વાલિયા ખાતે
સીતારામ સેવા ટ્રસ્ટની મુલાકાત લીધી

વાલિયાના તુણા ગામે આવેલા રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટની મુલાકાત પણ લીધી હતી. અહમદ પટેલે સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલની મુલાકાત લઈને ત્યાં ચાલતી સેવા પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત વાત્સલ્યધામ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને માજી સાંસદ કનકસિંહ માંગરોલાએ તેમને સત્કાર્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. અહમદ પટેલે સીતારામ સેવા ટ્રસ્ટની જનહિતની પ્રવૃત્તિઓને બિરદાવી આદિવાસી વિસ્તારમાં વર્ષોથી ચાલતા સેવાકાર્યોને આગળ ધપાવવા પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.