ભરૂચ/અંકલેશ્વર, તા.ર૦
રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે તા.ર૧/૮ના રોજ આવતી પોતાના જન્મદિવસની ઉજવણી પૂર્વ વડાપ્રધાન શ્રી વાજપેયી અને માજી ધારાસભ્ય શ્રી મોહંમદભાઈ પટેલના નિધનથી મોકૂફ રાખી છે.
આગામી તા.ર૧/૮ના રોજ રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલનો જન્મદિવસ છે. જો કે અહમદભાઈ પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો, સમર્થકો અને પ્રશંસકોને પોતાના જન્મદિવસની ઉજવણી મોકૂફ રાખવા જણાવ્યું છે. દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી અને માજી ધારાસભ્ય શ્રી મોહંમદભાઈ પટેલના નિધનથી અત્યંત દુઃખ થયું છે. ત્યારે આ દુઃખદ પ્રસંગે મારા જન્મદિવસની ઉજવણી અયોગ્ય છે. જેથી હું જિલ્લા કોંગ્રેસ સમિતિને, આગેવાનોને, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને, કાર્યકરોને, પ્રશંસકોને અને સમર્થકોને અપીલ કરું છું કે ઉજવણીથી દૂર રહે.
નોંધનીય છે કે, રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી જિલ્લા કોંગ્રેસ સમિતિ પર વિવિધ કાર્યક્રમો કરી, તાલુકા મથકો પર, તેમના વતન પીરામણમાં ખૂબ જ ધામધૂમથી કાર્યકરો અને સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ તેમણે ઉજવણીથી દૂર રહેવાની અપીલ કરી તેમના સૌજન્યનો ઉદાહરણીય દાખલો આપ્યો છે. એમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નાઝુ ફડવાલાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.