અમદાવાદ, તા.૩૦
કોંગ્રેસપક્ષમાંથી તાજેતરમાં જ છેડો ફાડનાર વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ફરી એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, મારો મત રાજયસભાના કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલને જ હશે. જો એહમદભાઇ પટેલને મારો મત જોઇતો હશે તો હું ચોક્કસપણે તેમને જ મત આપીશ. સાથે સાથે શંકરસિંહ બેંગ્લુરૂ ભાગી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યોના મુદ્દે પણ ફરી ટીકાત્મક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પૂરની સંકટની ઘડીમાં લોકોની સેવા કરવાને બદલે મોજ માટે બેગ્લુરૂ રિસોર્ટમાં ભાગી જવું કોઇપણ રીતે યોગ્ય નથી. દુઃખની આ ઘડીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ લોકોની સેવા કરવી જોઇએ, જે તેમની ફરજ છે. વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીને પણ ટોંણો મારતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતાગીરીને તેમના ધારાસભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ, નહી તો, તેઓને બેેંગ્લુરૂ લઇ જવાની જરૂર જ ના પડે. ટિકિટ અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અગાઉ ખુદ એહમદભાઇએ જ તેમને રાજયસભા માટે ટિકિટની ઓફર કરી હતી પરંતુ તેમણે તે સ્વીકારી ન હતી. રાજયસભાના કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઇ ઇચ્છશે તો મારો મત તેમને જ રહેશે. ભાજપની ટિકિટના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, તેઓ કિંગ મેકર છે, ટિકિટ વહેંચે છે, ટિકિટ માટે લાઇનમાં નથી ઉભા રહેતા. તેમણે પ્રજાના હિત માટે તેમણે પક્ષોનું બંધન છોડયું છે પરંતુ લોકકલ્યાણનું તેમનું જાહેરજીવન યથાવત્‌ છે.