અમદાવાદ,તા.ર૬
ઈલેકશન પિટિશન રદ કરવાની કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહમદ પટેલની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી હતી. જ્યારે બળવંતસિંહ રાજપૂતની મૂળ પિટિશન પર આગામી ૧૯ તારીખે સુનાવણી હાથ ધરાશે. ૮ ઓગસ્ટ ર૦૧૭ના દિવસે રાજયસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં અહમદ પટેલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. રાજયસભાની ચૂંટણીના મામલે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલી પિટિશનને જાળવી રાખવા સામે અહમદ પટેલે કરેલી અરજીને ટેકનિકલ ગ્રાઉન્ડના આધારે હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે કોર્ટ રાજપૂતની અરજીને મેરિટ પર સાંભળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયસભાની ચૂંટણી વખતે નાટયાત્મક રીતે રાજપૂતનો પરાજય થયો હતો, ત્યાર બાદ રાજપૂતે ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારી હતી. જે સામે અહમદ પટેલે રાજપૂતની અરજીને પડકારી એમ જણાવ્યું હતું કે અરજી ચૂંટણીપંચના ફોર્મેટ અનુસાર નથી. સુપ્રીમકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના નેતા કપીલ સિબ્બલે અહમદ પટેલ વતી ધારદાર દલીલો કરી હતી અને બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયેલી અરજીનો સખ્ત વિરોધ કર્યો હતો.