(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ગતરોજ યોજાયેલી હાઈવોલ્ટેજ ડ્રામા સમાન ચૂંટણી અને તેના પરિણામોએ ભાજપના અહંકારના ચૂરેચૂરા કરી નાખ્યા છે. સાથે મૃતપ્રાય કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકયા છે. એટલું જ નહીં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલનું કદ ઓર વધારી દીધું છે. જ્યારે કોંગ્રેસમાં વર્ષોથી જે જૂથવાદ ચાલતો હતો તેને મિટાવી આ ચૂંટણીએ બધાને એકજૂટ કર્યા છે. એટલે ખરા અર્થમાં નવસર્જનની શરૂઆત થઈ કહેવાય. હવે આજ જુસ્સો જો આગેવાનો અને કાર્યકરો હંમેશા જાળવી રાખે તો તેમને કોઈ હરાવી શકે નહીં.
રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ ભાજપના નેતાઓના ઘમંડના ચૂરેચૂરા કરી નાખ્યા છે. અહમદ પટેલની જીત બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના જે પણ નેતાઓના નિવેદનો સામે આવ્યા તેમાંથી તેમની ખેલદિલી સ્વીકારવાના બદલે મેળી માનસિકતા છતી થતી હતી. આ ચૂંટણીના પરિણામોએ ભાજપને પણ ભાન કરાવી દીધું કે મેન મની અને મસલ્સ પાવરના જોરે સત્તા મેળવી કે ટકાવી શકાય છે પરંતુ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિના ઈમાન ખરીદી શકાતા નથી.
ત્રીજું સૌથી જમા પાસુ એ રહ્યું કે મોદી અને અમિત શાહના પ્રચંડ વાવાઝોડા સામે ટકવા મથી રહેલી કોંગ્રેસમાં આ પરિણામોએ નવા પ્રાણ ફૂંક્યા છે. તમામ આગેવાનોએ જે રીતે જૂથવાદ ભૂલી જઈ ખભેખભા મેળવી ભાજપના ઝંઝાવતી તોફાન સામે ટક્કર ઝીલી અને વિજયી બની બહાર આવ્યા તેમનાથી તેમનું મનોબળ વધુ મજબૂત બન્યું છે અને તેમનામાં ગમે તેવી પરિસ્થિતીમાં લડવાની હિંમત આવી ગઈ છે.
આ ઉપરાંત અત્યારસુધી કોંગ્રેસમાં રહી ઠાઠમાઠથી સત્તા ભોગવી ચૂકેલા અને પોતાના પુત્રને રાજકારણમાં મજબૂત બનાવવા મથી રહેલા શંકરસિંહ વાઘેલાનું પાણી પણ મપાઈ ગયું. પોતાની સાથે સૌપ્રથમ ૩૩ ત્યારબાદ રર અને પછી પંદરથી વધુ ધારાસભ્યો હોવાની વાત કરતા બાપુએ પોતાના સમર્થક ધારાસભ્યોમાં વિશ્વાસરાખી બળવો કર્યો પરંતુ ૧૪ ધારાસભ્યો સિવાયના ધારાસભ્યોએ દિર્ઘદૃષ્ટિએ વાપરી કોંગ્રેસનો છેક સુધી સાથ ન છોડ્યો પરિણામ એ આવ્યું કે ઘઉંમાંથી કાંકરા ઓછા થાય તેમ કચરો સાફ થઈ ગયો અને કોંગ્રેસને પણ ભાન થઈ ગયું કે કોણ નડતું હતું અને કોણ આપણું છે.
સૌથી મહત્ત્વનું પાસુ અહમદ પટેલની જીતનું એ રહ્યું કે આ જીતે પાર્ટીમાં તેમનું કદ અને માન મરતબો ઔર વધારી દીધા છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીથી લઈ પ્રચાર સુધીની સંપૂર્ણ જવાબદારી હાઈકમાન્ડ અહમદ પટેલ પર નાખી કોંગ્રેસ માટે ખરા અર્થમાં નવસર્જન ગુજરાતની શરૂઆત કરાવી શકે છે.
કોંગ્રેસે આ તમામ બાબતો માટે ખરેખર તો ભાજપનો અને તેમના અધ્યક્ષ અમિત શાહનો આભાર માનવો જોઈએ કારણ કે ત્રીજો ઉમેદવાર મૂકવાની ભાજપની મેલી રમત જ કોંગ્રેસને અને અહમદ પટેલને મજબૂત બનાવવામાં મદદરૂપ નિવડી હતી. જો મતદાન વિના બિનહરીફ વિજેતા જાહેર થયા હોત તો કોંગ્રેસમાં હાલ નવા પ્રાણ ફૂંકયા છે. તે કદાચ શક્ય બન્યું ન હોત, અને આગામી વિધાનસભા ચૂંટણી એકતરફી રહેવાની શક્યતા હતી. તે હવે ફાઈટ ટુ ફિનિશનો જંગ બની રહેશે.