ગાંધીનગર,તા.૧૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહમદ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કર્ણાટકમાં અમે ફરીથી સત્તા મેળવીશું. અમને ૧૧પથી ૧ર૦ બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મળશે જ્યારે ભાજપને ૬પથી વધુ બેઠકો મળશે નહીં.
અહમદ પટેલે કહ્યું કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી મેળવશે. અમે લગભગ ૧ર૦ બેઠકો મેળવીશું. રાજ્યમાં કોંગ્રેસનો અભૂતપૂર્વ વિજય થશે.
પટેલ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. એમની સાથે કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો હતા. એ રાજ્યપાલ ઓ.પી. કોહલીને બુલેટ ટ્રેન માટે જમીન હસ્તગત બાબત આવેદનપત્ર આપવા આવ્યા હતા. સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન ગેરકયાદેસર રીતે હસ્તગત કરી રહી છે જેના વિરોધમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા.
એમણે કહ્યું કે અમે વિકાસનો વિરોધ નથી કરતા, પણ એની સાથે ખેડૂતોના હિતો પણ સાચવવા જોઈએ. બંનેમાં સમતોલન હોવું જોઈએ. ભાજપ સરકાર ફક્ત ઉદ્યોગોને મહત્ત્વ આપી રહી છે. એ પણ આવશ્યક છે પણ એના માટે ખેડૂતોના હિતોને અવગણી શકાય નહીં.