(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
રાજ્યસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે, ભાજપે રાજ્યસભાની ચૂંટણીને નાહકની પ્રતિષ્ઠા બનાવી દીધી હતી અને મને હવે વિશ્વાસ છે કે, વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે. રાજ્યસભામાં પોતાની પાંચમી ઈનિંગના પ્રથમ દિવસે અહમદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી જીતને કારણે ગુજરાત કોંગ્રેસમાં નવી ઊર્જા આવી ગઈ છે. મને વિશ્વાસ છે કે ગુજરાત ચૂંટણીમાં અમે જ જીતીશું. યુવા કોંગ્રેસ દ્વારા જંતર-મંતર પર આયોજિત દેખાવ રેલી દરમિયાન અહમદ પટેલે જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણીને પ્રતિષ્ઠાનો મુદ્દા બનાવ્યો હતો પરંતુ તેમની હાર થઈ.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૫થી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા મેળવી શકી નથી. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર ચાબખાં મારતાં કેન્દ્રિય તપાસ એજન્સીઓના દુરુપયોગ કરવાનો અહમદ પટેલે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપમાં બે લોકો એવા છે જેમાં એકની પાસે બંધારણીય સત્તા અને બીજા પાસે બંધારણથી પણ ઉપરની સત્તા છે. તમે બધા આ બંનેને જાણો છો. બંને નેતાઓના નામ લીધા વિના તેમણે કહ્યું કે આ લોકો કેન્દ્રિય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુ લઈ જવાયા હતા. જ્યાં કેન્દ્રિય તપાસ એજન્સીઓએ દરોડો પાડી હેરાનગતિ કરવાનો પ્રયાસ કર્યો હતો.

NCPએ અહમદ પટેલની પીઠમાં છરો ઘોંચ્યો, JDU
ધારાસભ્યે તેમને મત આપ્યો

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતવાના શિલ્પી બનેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, એનસીપીએ વ્હીપ જારી કરી અહમદ પટેલને મત આપવાની ખાતરી આપી હતી, પરંતુ તે વાત ખોટી છે. અમને વિશ્વાસ છે કે એનસીપીએ તેમની પીઠમાં છરો ઘોપ્યો છે. બીજા કોઈપણ પક્ષના ધારાસભ્ય તેમને મત આપ્યો નથી, પરંતુ જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ અહમદ પટેલને મત આપી તેમના વિજયમાં ખૂબ મોટુ યોગદાન આપ્યું હતું. જોકે છોટુભાઈ વસાવાએ અહમદ પટેલને મત આપી નીતિશકુમારની નારાજગી વહોરી છે.