(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
રાજ્યસભાની રસાકસીવાળી ચૂટણીમાં કોંગ્રેસ માટે એક વોટનું મહત્ત્વ હતુ ત્યારે એનસીપીએ એક વોટ આપ્યો હોવાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને જીતવા માટે ૪૪ વોટ જોઈતા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના ૪૩ વોટ મળ્યા હતા. જ્યારે એક વોટ અન્ય પક્ષમાંથી મળ્યો હતો. આ વોટ જેડીયુના છોટુ વસાવાએ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે એનસીપીના બે ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યએ ભાજપને અને એક ધારાસભ્યએ કોંગ્રેસને વોટ આપ્યો હોવાના પણ દાવા કરાયા હતા. ત્યારે એનસીપીના ગુજરાતના પ્રભારી અને સાંસદ પ્રફુલ્લ પટેલે રાજ્યસભાની ચૂંટણીના પરિણામના ૧૦ દિવસ બાદ આજે મીડિયા સમક્ષ દાવો કરતા જણાવ્યું હતું કે અહમદ પટેલને એક વોટ એનસીપીના ધારાસભ્ય જયંત બોસ્કીએ આપ્યો હતો. જો કે તેમના નિવેદનની સામે પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને એનસીપીનો મત મળ્યો જ નથી. જેમને સાથે રાખીને ચૂંટણી લડવા તેમણે અમારી સાથે ઊભા રહેવું જોઈએ પણ ન રહ્યા તેનું દુઃખ થાય છે તેમ કહી એનસીપીના દાવાને કોંગ્રેસે ફગાવી દીધા છે.
અત્રે નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાને ૧૦ દિવસ જેટલો સમય વિત્યો ત્યારબાદ હવે એનસીપી ચૂંટણીમાં કોંગ્રેસે મત આપ્યો હોવાના દાવા કરી રહી છે. એટલે આટલા દિવસ સુધી કેમ એનસીપી જાહેરમાં ન આવી. જો કે એનસીપીએ પણ કોંગી બળવાખોર ધારાસભ્યોની જેમ કોંગ્રેસની પીઠમાં ખંજર ભોક્યું છે અને હવે મલમ લગાવવા આવી હોય તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા વહેતી થઈ છે.