અમદાવાદ, તા.૬
ગુજરાતની ઓળખસમા ગીરના સિંહોનાં મોતના બનાવની ચર્ચા સમગ્ર દેશમાં વ્યાપી છે ત્યારે આ ઘટનાથી સમગ્ર ગુજરાતવાસીઓ ખૂબ જ દુઃખી થયા છે. આ અંગે દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રાજ્ય સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કેન્દ્ર સરકાર સિંહોના સંરક્ષણ માટે એક હજાર કરોડના ફંડની ફાળવણી કરી સિંહોના સંરક્ષણ માટેનો કાર્યક્રમ જાહેર કરે તેવી માંગ કરી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં ર૩ અને બે વર્ષમાં ૧૮૦ જેટલા સિંહો મૃત્યુ પામ્યા હોવા અંગે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના સાંસદ અહમદ પટેલે વડાપ્રધાનને એક પત્ર લખી જણાવ્યું છે કે આવી ચિંતાજનક સ્થિતિમાં ભાજપ સરકારને કઈ જ સૂઝતું નથી. તેમણે પર્યાવરણ અને વનવિભાગ દ્વારા ઈકો-સેન્સેટિવ ઝોનમાં ૧૦ કિ.મી.નો વધારો કરવા સાથે પ્રવાસન અને વન્યજીવન વચ્ચે સંતુલન જાળવવા ગેરકાયદેસર ચાલતા રિસોર્ટ તાત્કાલિક બંધ કરાવવા માંગ કરી છે.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતો એક પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ ગીરના જંગલમાં ર૩ સિંહ મૃત્યુ પામવા સાથે ૩પથી વધારે સિંહો સંક્રમણની સ્થિતિમાં ખૂબ જ ચિંતાજનક હાલતમાં છે. ત્યારે ભાજપ સરકારને કાંઈ સૂઝતું નથી. જ્યારે વર્ષ ર૦૧૬થી અત્યાર સુધીમાં કુલ ૧૮૦ અને છેલ્લા ૩ અઠવાડિયામાં ર૩ જેટલા સિંહો મૃત્યુ પામ્યા છે. આ ખૂબ જ ગંભીર ઘટના માટે સરકારનો ગેરવહીવટ જવાબદાર હોવાનું જણાવતા તેમણે ગીરના જંગલોમાં ઈકો સેન્સેટીવ ઝોન દસ કિ.મી. વધારવા કહ્યું છે. હાલમાં ઈકો સેન્સેટીવ ઝોન માત્ર ૦.પ કિ.મી. જ હોવાનું જણાવતા તેમણે કહ્યું છે કે પ્રવાસન અને વન્યજીવન સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહની દુર્લભ પ્રજાતિને બચાવી રાખવા માટે કેન્દ્ર સરકારે આવશ્યક પગલાં ઉઠાવવા જોઈએ. પર્યાવરણ અને વનવિભાગ દ્વારા ઈકો સેન્સેટીવ ઝોનની સીમામાં ૧૦ કિ.મી.નો વધારો કરવો જોઈએ. તેમણે જણાવ્યું છે કે પ્રવાસન અને વન્ય જીવન વચ્ચે સંતુલન જાળવવા ગેરકાયદેસર ચાલતા રિસોર્ટ પર નિયંત્રણ લાદી બંધ કરાવવા જોઈએ. જ્યારે આ કેસમાં ગેરકાયદે રિસોર્ટ સામે પણ પગલાં લેવા જોઈએ. તેઓએ ચાર મુદ્દામાં પત્ર લખ્યો છે.જેમાં લખાયું છે કે, સિંહોનાં રાતો રાત મોત થયા નથી. પરંતુ રાજ્ય સરકારના ખોટા વ્યવસ્થાપન અને નબળી દેખરેખના કારણે આ પરિણામ આવ્યું છે. તેઓએ પત્રમાં કેન્દ્ર સરકારને અપીલ કરતાં લખ્યું છે કે, કેન્દ્ર સરકારે સિંહોના સંરક્ષણ માટે એક હજાર કરોડનો ફંડ ફાળવણી કરે અને પ્રોજેક્ટ ટાઈગર જેવો જ રાષ્ટ્રીય કક્ષાનો સિંહોના સંરક્ષણ માટેનો કાર્યક્રમ જાહેર કરે તેવી માંગ કરી છે. સિંહો ગુજરાતની અસ્મિતા છે.પણ સિંહને ટુરિઝમ ક્ષેત્રે પ્રમોશનની સાથે જ તેના વન્ય જીવનને સાચવણી રાખવા પણ અપીલ કરી છે.