અમદાવાદ, તા.ર૩
ભાજપની સરકારના શાસનમાં ભાજપના કોર્પોરેટરને જાણે લાંચ લેવાનો છૂટો દૌર મળી ગયો હોવાનું લાગી રહ્યું છે. અમદાવાદના ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા ભાજપે પોતાનો બચાવ કરવા કોર્પોરેટરને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં દક્ષિણ ઝોન વિસ્તારમાં એક બિલ્ડર પાસે પુલિકત વ્યાસ ગેરકાયદે બાંધકામને લઈ પૈસા માંગે છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું જણાવી રહ્યા છે. પુલકિત વ્યાસ અધિકારીઓ પરાગભાઈ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર બરંડા સાહેબ વગેરેના નામનો ઉલ્લેખ કરી સાચવી લેવાનું કહે છે. તેમજ એક બાંધકામ મામલે કોર્પોરેટર પુલકિત વ્યાસ બિલ્ડર પુલિકત વ્યાસને ૧૦ હજાર રૂપિયા આપે છે. પરંતુ કોર્પોરેટર કહે છે આટલામાં કશું ન થાય તેમ કહી બીજા પૈસા માંગે છે અને રૂા.૫ હજાર વધુ ઉમેરી ૧૫ હજારની માગણી કરે છે. સાહેબથી હું સાચવી લઈશ, મને મારૂં મળી જવું જોઈએ.
આ વીડિયો વાયરલ થવા મામલે મેયર બિજલ પટેલે કહ્યું કે, વીડિયો મામલે શહેર અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. કોર્પોરેટરનું આવું વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી. અધિકારીની સંડોવણી હશે તો કમિશનર દ્વારા પણ પગલાં લેવામાં આવશે. જરૂર પડ્યે કોર્પોરેટર અને અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

સહેજપણ ખોટું ચલાવી લેવાશે નહીં : નીતિન પટેલ

ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો બિલ્ડર પાસેથી લાંચ લેતો વીડિયો વાયરલ થતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વીડિયોની તપાસ કરાવવામાં આવશે, તેમજ સહેજ પણ ખોટું ચલાવી લેવામાં આવશે નહીં.

હું અધિકારીઓની જવાબદારી લઉં પણ RTI થાય તેની નહીં

અમદાવાદના ઈસનપુરના ભાજપના કોર્પોરેટરનો બિલ્ડર પાસેથી લાંચ લેતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં બિલ્ડર અને કોર્પોરેટર પુલકિત વ્યાસ વચ્ચેની વાતોના કેટલાક અંશો અત્રે રજૂ કર્યા છે.
બિલ્ડરઃ હવે જો મેં બે મકાન બનાવ્યા અને બીજા ત્રણ મકાન ચાલુ કરાવ્યા. મેં પ્રથિકભાઈને જાણ કરી જોઈ લે. આ કામમાં અમને ૭૦થી ૮૦ હજાર રૂપિયા મળે.
કોર્પોરેટરઃ લક્ષ્મીનગર, શ્યામસુંદર નગરમાં તમારું કામ ચાલે છે ?
બિલ્ડરઃ ના એમાં કંઈ નથી. ૧૪૯માં બે આપણા છે. રાજેશ સોની પુરી જવાબદારી લેતો હતો.
કોર્પોરેટરઃ પરાગભાઈને મોકલ્યું હમણાં નાગોરી વાળું એક પતાવી દીધું, મેં જ મોકલ્યું હતું.
બિલ્ડરઃ આ ગણો પૈસા, ૧૦ હજાર
કોર્પોરેટરઃ ૧૦ હજારથી શું થાય, સાવ સોનાની જાળ પાણીમાં નાંખો નહીં. તો રહેવા દો. આગળ બધી મદદ કરીશ. અરે પાંચ વધુ મુકી દો. ૧૫ (હજાર) કરી દો.
બિલ્ડરઃ વર્ષમાં ૨૫-૩૦ મકાન બનાવું છું પણ આ વખતે બે જ મકાન બનાવ્યા છે.
કોર્પોરેટરઃ ૧૨૦નું કામ ક્યારે ચાલુ કરો છો બોલો, એમાં આપણું કેમનું છે?
બિલ્ડરઃ તમે આરટીઆઈ વાળાની જવાબદારી લેશો?
કોર્પોરેટરઃ ના આરટીઆઈની જવાબદારી થોડી લેવાય, હું અધિકારીઓની જવાબદારી લઉં, તમે પથિકને સાચવો બાકીનું હું સાચવી લઈશ. બરંડા સાહેબ અને ચાવડા સાહેબથી હું સાચવી લઈશ.મને મારું મળી જવું જોઈએ. હું અઠવાડીયામાં ઠરાવ કરાવું છું, ચોમાસાના ત્રણ મહિના કશું તોડવાનું નહીં, ઉપરનું કમિશનનું થઈ જશે. કોઈ જોવાય નહીં આવે. તમે આવો પછી બરંડા સાહેબને કહી દઉં.

અગાઉ વિવાદોમાં પર્યાય બનેલા છે કોર્પોરેટર વ્યાસ

આ પહેલાં પણ કોર્પોરેટર પુલકિત વ્યાસ વિવાદમાં આવી ચુક્યા છે ત્યારે તેમણે જમવામાં બીલને લઈને રૂઆબ બતાવ્યો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરૂદ્ધ પણ અપશબ્દો ભાંડ્યા હતા. પુલકિત વ્યાસ જમવા માટે ફાસ્ટફુડની લારી ઉપર ગયા હતા. જ્યાં જમવાનું બીલ રૂા.૪૭૦નું થયું હતું. તો પુલકિતે રૂા.૪૦૦ ચુકવવાનું જણાવ્યું હતું, વેપારી કોર્પોરેટરની વાતથી અસહમત થતાં કોર્પોરેટર પોતાના રૂઆબમાં આવી ગયા હતા અને વેપારી સાથે અસભ્ય વર્તન ઉપર ઉતરી આવ્યા હતા.