અમદાવાદ, તા.ર૧
અમદાવાદના પાંજરાપોળ નજીક બેફામ જતી બીઆરટીએસની બસની અડફેટે બાઈક સવાર બે સગાભાઈઓના મોત નિપજતાં ચકચાર મચી ગઈ છે. બાઈક ચલાવનાર યુવાને હેલ્મેટ પહેર્યું હોવા છતાં હેલ્મેટ તેને બચાવી શકી નહતી. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ પાંજરાપોળથી નહેરૂનગર વચ્ચે રપથી વધુ બીઆરટીએસને રોકી રોષ ઠાલવ્યો હતો. જ્યારે એક બસ પર પથ્થરમારો પણ કરી નુકસાન પહોંચાડયું હતું. રાજ્યભરમાં એસટી, સીટી બસ અને બીઆરટીએસના ડ્રાઈવરો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે. સુરતમાં બીઆરટીએસ બસે ત્રણ વ્યક્તિઓનો ભોગ લીધા બાદ અમદાવાદમાં બીઆરટીએસે બે સગાભાઇઓના જીવ લીધા છે. અકસ્માતમાં ભોગ બનનારના નામ જયેશ હીરાભાઈ અને નયન હીરાભાઈ છે. મૂળ વેરાવળના બે સગાભાઇઓમાંથી એક ભાઈ નયનને તલાલા ICICIબેંકમાં નોકરી મળી હતી. જેની ટ્રેનિંગ લેવા માટે અમદાવાદ આવ્યો હતો. ત્યારે નયનનો ભાઈ જયેશ તેને મુકવા માટે જતો હતો. તે દરમિયાન આ બન્ને યુવકો પાંજરાપોળ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ આવી રહેલી બસે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બન્ને યુવકો બાઈક પરથી પટકાયા હતા. હેલ્મેટ પહેરેલું હોવા છતાં બસનું ટાયર યુવકના માથા પર ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે જ બન્ને યુવકના મોત થયા હતા. અકસ્માતમાં ભોગ બનનાર નયનની પત્ની દાણીલીમડામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. જયારે મૃતકોના પિતા હીરાભાઈ રામ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને બસ પર પથ્થરમારો કર્યો હતો. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જવાનજોધ બે પુત્રોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. જો કે અકસ્માત સર્જી બસચાલક ફરાર થઇ ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક નયન રામ આઈસીઆઈસીઆઈ બેંક(તાલાલા)માં નોકરી કરતો હતો. જ્યારે નાનો ભાઈ જયેશ સચિવાલય (ગાંધીનગર)માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતો હતો. પરંતુ મોટા ભાઈને ટ્રેનિંગ હોવાથી તે તાલાલાથી અહીં આવ્યો હતો અને નાના ભાઈ સાથે બાઈક પર ટ્રેનિંગ સ્થળે જવા નીકળ્યો હતો. બંને આઇઆઇએમ સ્થિત બ્રાન્ચ તરફથી પાંજરાપોળ બાજુ ટર્ન મારી રહ્યાં હતા. તે જ સમયે યુનિવર્સિટી તરફથી પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસે બંને ભાઈઓના બાઈકને આગળના વ્હિલમાં કચડી નાંખ્યા હતા. અકસ્માત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને વળતર તેમજ ન્યાય આપવા માગ કરી રહ્યા છે.
અમદાવાદમાં BRTSની અડફેટે બાઈક પર જતાં બે સગા ભાઈઓનાં કરૂણ મોત

Recent Comments