અમદાવાદ,તા.ર૮
ગુજરાતના કેડર અધિકારીઓને દિલ્હી ડેપ્યુટેશનમાં મોકલવાનો સિલસિલો ચાલુ રહ્યો છે જેમાં ગુજરાતના વધુ એક આઈએએસ અધિકારીને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે અમદાવાદનાં કલેકટર વિક્રાંત પાંડેને દિલ્હીમાં ગૃહ ખાતામાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના નવા કલેકટર તરીકે કે. નિરાલાની નિમણૂક કરવામાં આવી છે. કે નિરાલા ર૦૦પની બેચના આઈએએસ અને પાણી પુરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી છે તેઓ રાજકોટના પૂર્વ કલેકટર મનિષા ચંદ્રાના પતિ છે. અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડેને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં ડેપ્યુટેશન પર મોકલાયા છે. ગૃહ ખાતામાં તેઓ પાંચ વર્ષ માટે સેવા આપશે. તેમને આંતરરાજય પરિષદનાં ડાયરેકટર તરીકે નિમવામાં આવ્યા છે અને ત્રણ અઠવાડિયામાં ડેપ્યુટેશન પર હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. ડો. વિક્રાંત પાંડે એમબીબીએસની ડિગ્રી ધરાવે છે તેઓ ર૦૦પની બેચના આઈએએસ છે.