અમદાવાદ, તા.ર
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોને ૪થી જાન્યુઆરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે. આ ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારની થીમ પર પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતિ નિમિત્તે રેંટીયો કાંતતા ગાંધીજી, દાંડીયાત્રા, મીઠાનો સત્યાગ્રહ થીમ રાખવામાં આવી છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરના ૮ ફૂટ મોટા સ્કલ્પચર સાથે આરોગ્ય જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો છે. આયુર્વેદિક વનની થીમમાં પહાડ અને સંજીવની બુટ્ટી લઈને આવતા હનુમાનની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. સ્પોટ્‌ર્સ ઝોનની થીમમાં ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ, હોકી, બેડમિંટન, ચેસ જેવી રમતોના સ્કલ્પચરો ફુલોથી તૈયાર કરવામાં આવ્યા છે. રિસાયકલ, રિડયુસ અને રિયુઝની થીમ પર જૂના ટાયરોમાં ગ્રીનરી ઉભી કરવા પાણી બચાવોનો સંદેશો પણ આપવામાં આવ્યો છે, જ્યારે ફાયર બ્રિગેડના સાધનો સાથેનું પેવિલયન અને રિયલ ગાર્ડન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.