અમદાવાદ, તા.૨૧
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું નામ “કેમ છો ટ્રમ્પ ?” પછી “નમસ્તે ટ્રમ્પ” કરાયું છે એ બધા જાણે છે. અગાઉ આ કાર્યક્રમ અંગે શહેરના મેયર અને મુખ્યમંત્રી પણ વાત કરતા હતા પણ જ્યારથી આ કાર્યક્રમની આયોજક અને નિમણૂક એકાએક ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ થઈ ચૂકી છે તો સાચુ કોણ ? વળી છેલ્લા સમયે વિદેશ મંત્રાલયે અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમની યજમાનીમાંથી હાથ અધ્ધર કર્યા છે અને કહ્યું કે, આ તો એક ખાનગી કાર્યક્રમ છે, ત્યારે આ કાર્યક્રમ પાછળ થનાર ૧૦૦ કરોડનો ખર્ચ કોણ ભોગવશે ? તે પણ એક પ્રશ્ન છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમમાં ’નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ વિશે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નવો ધડાકો કર્યો છે કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ’ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ નામની કોઈ સંસ્થા યોજી રહી છે. હવે આ ’ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ કોણ છે, તેના સભ્યોમાં કોનો સમાવેશ થાય છે અને આ કાર્યક્રમ પાછળ થનારા આશરે રૂ. ૧૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કોણ ભોગવશે તે બાબતે ઘેરું રહસ્ય પ્રવર્તી રહ્યું છે. રસપ્રદ છે કે સૌથી પહેલાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વેળાએ જાહેરસભાને સંબોધિત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ટ્રમ્પ અમદાવાદ આવશે. ત્યારબાદ અમદાવાદના મેયર બિજલ પટેલે પણ ટ્રમ્પને વધાવવા આખું અમદાવાદ આતુર હોવાની જાહેરાત કરી હતી. બંનેએ પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર વખતોવખત આ અંગેની વિગતો આપી હતી. પરંતુ હવે જેવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ’ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ની વાત કરી છે ત્યારથી બધા ચૂપ થઈ ગયા છે. મોટેરા સ્ટેડિયમના ટ્રમ્પના કાર્યક્રમના ખરા આયોજક કોણ તે અંગે અત્યારે ગૂંગૂંચીચી થઈ રહ્યું છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદના શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા બે દિવસ અગાઉ કહી ચૂક્યા છે કે, આ કાર્યક્રમના નિમંત્રક છસ્ઝ્ર અને કલેક્ટર છે, માટે પાસ ત્યાંથી જ મળશે. હવે આ કાર્યક્રમની આયોજક અને નિમંત્રક એકાએક ’ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ થઈ ચૂકી છે તો સાચું કોણ એ પણ એક સવાલ છે. અમદાવાદ શહેરની એક લટાર મારો તો ઓછામાં ઓછા ૧૦ હજાર જેટલા પોસ્ટરો, ડેંગ્લર્સ, બેનર્સ, હોર્ડિંગ્સ લાગેલા દેખાશે જેમાં ’નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની જાહેરાત તથા મોદી અને ટ્રમ્પના ફોટા જોવા મળશે. પરંતુ અત્યારસુધી એક પણ બેનર કે પોસ્ટર પર ’ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’નો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ સંસ્થા કોની છે, તેના સભ્યો કોણ છે, તેની વેબસાઈટ કઈ છે, તેનું સરનામું શું છે તે કોઈ જાણતું નથી. એટલું જ નહીં, ટ્રમ્પનો અમદાવાદનો કાર્યક્રમ ’ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ યોજી રહ્યું છે તેની માહિતી આપનારા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પણ આના વિશે કોઈ ફોડ પાડ્યો નથી.