આગામી ગુરૂવારે અમદાવાદ શહેરના જમાલપુર દરવાજા બહાર આવેલ જગન્નાથ મંદિરેથી ૧૪રમી રથયાત્રા શહેરમાં નીકળનાર છે. આ રથયાત્રા શાંતિપૂર્વક પસાર થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર તરફ જતા રસ્તાઓ તો ત્રણ દિવસથી જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે અને આખું મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે. આ વર્ષે સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપી, સીઆરપીએફ, રેપીડ એક્શન ફોર્સ, બીએસએફની ટુકડીઓની સાથે મહિલા રેપીડ એકશન ફોર્સની પણ વધારાની કુમકો બોલાવવામાં આવી છે.