‘જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમશાહ બાદશાહને શહર બસાયા’

(જુમ્મા મસ્જિદ- માણેકચોક)

(સીદી સૈયદની મસ્જિદ : લાલદરવાજા)

(સરખેજ રોજા : કિલ્લો)

આ કહેવત અહમદઆબાદ શહેરની સ્થાપના સાથે જોડાયેલી છે. ર૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના દિવસે અહમદઆબાદ શહેરની સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધી અનેક ઐતિહાસિક ઈમારતો અને સાંસ્કૃતિક ધરોહર સમાન સ્થાપત્યો અસ્તિત્વમાં આવ્યા હતા. પરિણામે દેશ વિદેશમાં અહમદાબાદના સ્થાપત્યોની એટલી ખ્યાતિ ફેલાઈ કે પ્રવાસીઓ તેને જોવા ઉમટી રહ્યા છે છતાં હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો ન હોવાથી બહોળો પ્રચાર પ્રસાર થયો ન હતો. જો કે હવે  અહમદઆબાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળતાં દેશ વિદેશના પ્રવાસીઓને સહેલાઈથી માહિતી મળી રહેશે પરિણામે પ્રવાસીઓ ઉમટી પડશે. શનિવારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળતાં જ શહેરની સ્થાપનાકાળ સાથે જોડાયેલી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી હતી.

 

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
ચાર અહમદ અને બાર બાબાઓનો જે શહેરની સ્થાપનામાં રૂહાની ફાળો છે તે અહમદઆબાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપતાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા છે. જોગાનુંજોગ કહો કે બુઝુર્ગોની દુઆ કહો. જે ચાર પવિત્ર અહમદના પવિત્ર હસ્તે અહમદાબાદ શહેરની સ્થાપનાનો પાયો નાખવામાં આવ્યો હતો તેમાંના એક અને મહાન બુઝુર્ગ હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ મગરીબી (રહમતુલ્લાહ અલયહ)ના ઉર્સની શનિવારે ઉજવણી ચાલતી હતી ત્યારે જ અહમદઆબાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાની જાહેરાત થઈ હતી. આજથી ૬૦૬ વર્ષ અગાઉ ર૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સુલતાન અહમદશાહ બાદશાહે ચાર અહમદના પવિત્ર હસ્તે આ ઐતિહાસિક શહેરનો પાયો નંખાવ્યો હતો. માત્ર પાયા નાખવા પૂરતું આ બુઝુર્ગોનું મહત્ત્વ નથી પરંતુ તેમની દુઆઓ પણ સામેલ છે. આ ઉપરાંત હઝરત સૈયદ મખદૂમ જહાંગસ્ત જહાનિયા (રહમતુલ્લાહ અલયહ), હઝરત સૈયદ મુહમ્મદ બુરહાનુદ્દીન કુત્બેઆલમ બુખારી (રહમતુલ્લાહ અલયહ), હઝરતે ખીઝરની દુઆઓથી આ શહેર આબાદ થયું હતું અને કયામત સુધી આબાદ રહેશે (ઈન્શાઅલ્લાહ). આ ઉપરાંત હઝરત શાહેઆલમ, હઝરત મકબુલ આલમ, હઝરત ઉસ્માન મશ્હદી ઉર્ફે શમ્એ બુરહાની, હઝરત શાહ વજીહુદ્દીન અલવી, હઝરત જમાલુદ્દીન જમ્મન શાહ, હઝરત બાબા અલીશેર, હઝરત ખ્વાજા અબ્દુલ સમદ ખુદાનુમા, હઝરત મુસા સુહાગ, હઝરત પીર મુહમ્મદશાહ, હઝરત શાહઅલીજી ગામધણી જેવા અનેક નામી અનામી બુઝુર્ગો અને સૂફી સંતોએ આ પવિત્ર શહેરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. પરિણામે છ સદીઓમાં આ શહેરે અનેક ચડતી પડતી જોઈ અને અનુભવી છતાં અહમદઆબાદ શહેરની આન, બાન અને શાન અકબંધ રહી છે. અહમદઆબાદ શહેરની સ્થાપના કર્યા બાદ સૌપ્રથમ સુલતાન અહમદશાહ બાદશાહે બદ્ર (ભદ્ર)નો કિલ્લો બનાવ્યો ત્યારબાદ મસ્જિદો, બાદશાહી મકાનો, મહેલો, દરવાજા, કિલ્લાનો કોટ, વાવ જેવી અનેક ઈમારતો સલ્તનકાળના બનાવવામાં આવી હતી. સલ્તનકાળના લગભગ ૧૮૦ વર્ષના સમયગાળામાં અહમદઆબાદ શહેરમાં એક હજારથી વધુ મસ્જિદો હતી. ત્યારબાદ સમય જતાં કેટલીક મસ્જિદો શહીદ થઈ ગઈ. સલ્તનકાળ પૂર્ણ થયા બાદ મુગલોના સમયમાં પણ મહેલો, કિલ્લાઓ, મંદિરો, બાગબગીચા, વાવ બનતા ગયા એ પછી અંગ્રેજોના સમયમાં કાષ્ટકલા પૂર્ણ રૂપે ખીલી ઉઠી જેમાં હવેલીઓ, ચબૂતરા, વાવ, પોળ, ખડકીઓ વગેરેનો ઉદય થયો તેમાં પથ્થર અને લાકડાના નકશીકામ ધરાવતા હજારો મકાનો અસ્તિત્વમાં આવ્યા જે આજે અહમદઆબાદ શહેરની શાન બની ગયા છે. આમ ચાર અહમદના હસ્તે નખાયેલો પાયો, બાર બાબાઓનો રૂહાની ફાળો તથા સૂફી સંતો બુઝુર્ગોની દુઆઓથી આ શહેરે અનેક ચડતી પડતી જોઈ છતાં તેની જાહોજલાલી જળવાઈ રહી છે અને જે મહાન બુઝુર્ગ હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ મગરીબી (રહમતુલ્લાહ અલયહ)ના આશીર્વાદ અને દુઆઓ આ શહેરની સ્થાપના કરવામાં મદદરૂપ નિવડી હતી. તે બુઝુર્ગનો શનિવારે સરખેજ રોઝા ખાતે ઉર્સ મનાવવામાં આવ્યો હતો. આમ અહમદઆબાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો તેમાં પણ આ મહાન સૂફીસંતની દુઆઓ સામેલ છે તેમ કહેવામાં જરાયે અતિશ્યોક્તિ નથી.
શા માટે અમદાવાદ ભારતનું એક માત્ર વર્લ્ડ
હેરિટેજ સિટી બન્યું તેના ચાર કારણા

અમદાવાદ, તા. ૯
શા માટે અમદાવાદ ભારતનું એક માત્ર વલ્ડ હેરિટેજ સિટી બન્યું તેના ચાર કારણો છે. અમદાવાદ શહેરનો સમાવેશ વલ્ડ હેરિટેજ સિટીમાં થતાંની સાથે જ શહેરમાં તેની પર જશ્ન મનાવવામાં આવ્યો હતો. હાલમાં અમદાવાદ ઉદ્યોગોથી ધમધમી રહ્યું છે. ૬૦૬ વર્ષ જુના આ શહેરને શનિવારે વલ્ડ હેરિટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેને માટે ઘણાં કારણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી, કોલકત્તા, મુબઈ જેવા મોટા શહેરોની હરોળમાં અમદાવાદ આવ્યું છે. ૧૪૧૧ માં સુલતાન અહેમદ શાહ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અહમદાબાદ શહેર સુલતાનના મનની ઉપજ હતી. તેઓ અમદાવાદ શહેરના પોતાના સામ્રાજ્યનું કેન્દ્રબિંદુ બનાવવા માંગતા હતા. અમદાવાદ શહેર વેપાર માટે ફૂલતું ફાલતું શહેર છે. જ્યારે સુલતાન અહેમદ શાહે આ શહેરની રચના કરી ત્યારે તેમણે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વણકરો અને કૌશલ્ય ધરાવતા કલાકારોને શહેરમાં આમંત્રિત કર્યાં હતા. અમદાવાદને વલ્ડ હેરિટેજ સીટિ તરીકે જાહેર કરવા પાછળનું ત્રીજું કારણ એ છે કે શહેર હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિનો સુભગ સમન્વય ધરાવે છે. તે ઉપરાંત આ શહેર આઝાદીની ચળવળ વખતે દેશનું એક કેન્દ્રબિંદુ સમાન બન્યું હતું. અમદાવાદમાં અનેક સ્થાપત્યો આવેલા છે. મોગલ કાળના અનેક સ્મારકો અહિં આવેલા છે. જોકે આધુનિક ઈતિહાસમાં અમદાવાદનું સ્થાન મુખ્યત્વે મહાત્મા ગાંધીને આભારી છે. મુસ્લિમ શાસકોના હાથમાં હિન્દુ અને જૈન વેપારીઓ હતા. તેને પરિણામે મોટાભાગના જાહેર સ્થળોના માલિકો મુસ્લિમો હતા. નજીકના હિન્દુ રાજ્યોમાંથી પીલરો લાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં પૌરાણિક મસ્જિદોનું પણ ખૂબ મહત્વ છે. ૧૬ મી સદીમાં બાંધવામાં આવેલી સીદી સૈયદની જાળી ઈન્ડો-સરાસેનીક શૈલીનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. જો પ્રાચીન કાળમાં અમદાવાદ વેપારને કારણે પ્રખ્યાત બન્યું હતું તો આધુનિક કાળમાં રાષ્ટ્રીય ચળવળનું તે કેન્દ્રબિંદુ હતું.