(સંવાદદાતા દ્વારા)  ગાંધીનગર, તા.ર૧

ગુજરાતના ર૭ ગામોમાં આજેપણ દલિત પરિવારો પોલીસ રક્ષણ હેઠળ જીવન ગુજારી રહ્યા છે તેમજ અમદાવાદ જિલ્લાના ર૧ ગામોમાં વાળંદની દુકાન ઉપર અને ૧૦ ગામોમાં ચાની કિટલી ઉપર દલિતો માટે પ્રતિબંધ છે. ગુજરાતમાં દલિતો ઉપરના અત્યાચારના ક્રાઈમ રેશિયોમાં એક વર્ષમાં ૧૩પ.૬ ટકાનો જંગી વધારો થયો હોવાનો સરકાર ઉપર સીધો આક્ષેપ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળવિકાસ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માગણીઓ પર ચર્ચા હતી. જેમાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા રર વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજને પડતી મુશ્કેલીઓ-તકલીફોની માગણીઓ વારંવાર ગૃહમાં રજૂ થાય છે, પરંતુ આ સમાજો પર થતા અત્યાચારને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. આજે રાજ્યમાં દલિત સમાજની સદંતર ઉપેક્ષા થઈ રહી છે. દલિતો ઉપર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. દલિતો પર થતાં અત્યાચાર અંગે આંકડાકીય વિગતો આપતાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં દલિત સમાજ અને અત્યાચારના બનાવો જેવા કે ખૂન, બળાત્કાર, અપહરણના બનાવો ખૂબ વધી ગયા છે. વર્ષ ર૦૧પમાં ખૂનનો રેશિયો જે સમગ્ર ભારતમાં ૦.૩ ટકા હતો, કર્ણાટકમાં ૦.૩ ટકા અને ગુજરાતમાં ૦.૬ ટકા હતો. બળાત્કારનો રેશિયો ભારતમાં ૧.ર ટકા, કર્ણાટકમાં ૦.૬ ટકા અને ગુજરાતમાં ૧.૬ ટકા હતો. દલિતોની વસ્તી મુજબ ક્રાઈમ રેશિયો ગુજરાતમાં ૪૦.૭ ટકા, છત્તીસગઢમાં ૩ર.૭ ટકા અને ઝારખંડમાં ૩૯.૯ ટકા હતો. કુલ ક્રાઈમ રેશિયો ગુજરાતમાં રપ.૭ ટકા, ઝારખંડમાં ૧૮.પ ટકા અને કર્ણાટકમાં રર.૩ ટકા હતો. ગુજરાતમાં દલિત સમાજ ઉપરનો ક્રાઈમ રેશિયો વર્ષ ર૦૧૪માં ર૭.૭૦ ટકા હતો, જે વર્ષ ર૦૧પમાં વધીને ૧૬૩.૩ ટકા થયો. આમ, એક વર્ષમાં ગુજરાતમાં દલિત ઉપરના ક્રાઈમ રેશિયોમાં ૧૩પ.૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. વર્ષ ર૦૧૦થી ર૦૧પમાં એટ્રોસિટીના કેસો ૬,૪૬પ નોંધાયા હતા. તેમાંથી ૭,૬૮૧ વ્યક્તિઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે અને ૪૦ર આરોપીઓ પકડવાના બાકી છે. વધુમાં ધારાસભ્ય પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં આજે દલિતોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. રાજ્યના નવ જિલ્લાઓમાં ૧૩ મંદિરોમાં દલિતો પર પ્રવેશબંધી છે. ૧૪ જિલ્લાઓમાં પ૯ ગામોમાં દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રાજ્યના ૭૭ ગામોમાંથી દલિત પરિવારોનો હિજરત કરવાની ફરજ પડી છે. રાજ્યમાં આજે પણ ર૦ ટકા દલિત પરિવારોને પીવાનું પાણી મેળવવા ઘરથી દૂર જવું પડે છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના નંદોલી ગામ ખાતે પાંચ દલિત પરિવારોને સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ પાંચ દલિત પરિવારો પાસે પાંચ ગાયો હતી, જે ગાયોને પણ ઘાસચારો આપવાનો ગામે ઈન્કાર કરીને ગાયોનો પણ બહિષ્કાર કર્યો હતો. તો શું રાજ્યમાં આ જ છે. સામાજિક સમરસતા? “દલિતની ગાય પણ દલિત?” તેવો કટાક્ષ પરમારે કર્યો હતો. પરમારે રાજ્ય સરકાર સમક્ષ માગણીઓ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૮પ૯ ગામોમાં અનુસૂચિત જાતિના પરિવારો સાથે થતા આભડછેટ અંગેનો સેપ્ટનો અહેવાલ તા.૧૭/૪/ર૦૧૩ના રોજ રાજ્ય સરકારને સોંપવામાં આવેલા છે. આ અહેવાલ છેલ્લા ચાર વર્ષથી સરકારની વિચારણા હેઠળ છે. જે અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો જોઈએે. થાનગઢનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરો. રાજ્યમાં અનસુચિત જાતિ આયોગની સ્થાપના કરવી જોઈએ. રાજ્યની સરકારી વિભાગોમાં નોકરી માટે રોસ્ટર એક્ટનો અમલ થતો નથી. કોર્ટના ચુકાદા બાદ પણ આ અમલ થતો નથી, તેનો પણ અમલ સત્વરે કરાવવો જોઈએ સહિતની માગણીઓ ધારાસભ્ય પરમારે કરી હતી.