અમદાવાદ, તા.ર
દેશની સાથે ગુજરાતમાં પણ જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે લઘુત્તમ તાપમાનમાં વધારો થવા છતાં ઠંડીએ પોતાના મિજાજ અકબંધ રાખ્યો છે. વળી ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષાને પગલે આગામી ૧૦ દિવસ ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની સાથે અતિ તીવ્ર ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ૧૦ દિવસ શીતલહેરની આગાહી કરી છે. અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે. ઠંડીના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં કાલ કરતા આજે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જો કે, હજુ કોલ્ડવેવ યથાવત છે. બે દિવસથી સાબરમતી રિવરફ્રન્ટ પર વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહી છે. વાત કરીએ લઘુત્તમ તાપમાનની તો ભૂજ ૮, નલિયા ૯, રાજકોટ ૯, કંડલા એરપોર્ટ ૧૦, અમરેલી ૧૧, કેશોદ ૧૧, ડીસા ૧૨, સુરેન્દ્રનગર ૧૩, મહુવા ૧૩, અમદાવાદ ૧૪, ગાંધીનગર ૧૩ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે. ગઇકાલે રાજ્યના સાત શહેરો એવા હતા જ્યાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડી ચૂક્યો છે. આ શહેરોમાં ભૂજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થયો હતો. મહત્ત્વનું છે કે, ઉત્તરભારતમાં ઠંડીનો કહેર યથાવત છે અને તાપમાનનો પારો હજુ પણ નીચો જઈ રહ્યો છે. દિલ્હીની ઠંડીએ ગત સોમવારે ૧૧૯ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે મંગળવારે પણ તેવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યારે દિલ્હીમાં થોડી રાહત રહે તેવી આગાહી ગવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચાર જાન્યુઆરી સુધી તાપમાનમાં કોઈ ઠંડી નહીં રહે અને તાપમાનમાં વધારો થઈ શકે છે. જો કે, કેટલાક રાજ્યોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે જ્યાં ઠંડી યથાવત રહી શકે છે.