કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયા અને ટિકિટની ઓફર કરી કોંગ્રેસમાંથી રાજીનામા અપાયાનો આક્ષેપ બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ રમત ઘણા સમયથી ચાલતી હતી. ભાજપ શામ દામ અને દંડની નીતિ અપનાવી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ ઊભું કરી રહ્યું છે. અગાઉ નવ વર્ષ જેલમાં રહેલા એક ડીવાયએસપી દ્વારા એક આદિવાસી ધારાસભ્યનો સતત ધમકીઓ અને લાલચ આપવામાં આવતી હતી અને ભાજપમાં જોડાવવા દબાણ ઊભું કરાતું હતું જો કે, તેઓ ધમકીને વસ થયા ન હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના હરેન પંડ્યાની હત્યા થઈ, પાટીદારો પર અત્યાચાર થયો અને દલિતો સુરક્ષિત નથી તેમ અમારા ધારાસભ્યો પણ સુરક્ષિત નથી એટલે ગુજરાત બહાર જાય છે. અમારા નેતા અહમદભાઈ પટેલ તેમને જોઈએ તેના કરતા વધુ મતથી ૧૦૧ ટકા જીતી જશે.