હરિદ્વાર,તા.ર૩
યોગ ગુરૂ સ્વામી રામદેવના સહયોગી અને પતંજલિ આયુર્વેદના એમ.ડી. આચાર્ય બાલકૃષ્ણની આજે તબિયત બગડતા એમને ઋષિકેશની એઆઈઆઈએમએસમાં દાખલ કરાયો હતો. પહેલા કહેવાયું હતું કે બાલકૃષ્ણને હૃદય હુમલો થયો છે. પણ પછીથી રામદેવના પ્રવકતા તિજારાવાલાએ આ વાતને રદિયો આપતા કહ્યું કે એમને ફુડ પોઈઝનિંગ થયું છે. એઆઈઆઈએમએસ સત્તાવાળાઓએ બાલકૃષ્ણને ઈમરજન્સીમાં દાખલ કરાયાની પુષ્ટિ કરી હતી. તબિયત બગડતા એમને પહેલા હરિદ્વારની ભૂમાનંદ હોસ્પિટલમાં દાખલ કરાયો પણ હાલત ગંભીર થતા ઋષિકેશના એઆઈઆઈએમએસમાં દાખલ કરાયો હતો. એઆઈઆઈએમએસના પ્રવકતાએ જણાવ્યું કે એમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો છે. અને એમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એમના બ્લડપ્રેશર, ઈસીજી અને ઈકોના રિપોર્ટો સામાન્ય છે. હાલમાં એમની સારવાર આઈસીયુમાં થઈ રહી છે.