કોગ્રેસે અત્યાર સુધી ભાજપનો ડર બતાવી મુસ્લિમોના મતો અંકે કર્યા છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી AIMIM પતંગના નિશાન સાથે લડશે : પ્રમુખ કાબલીવાલાની જાહેરાત
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૩
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસે-ઇત્તેહાદુલ મુસ્લિમિન (એઆઈએમઆઈએમ)એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવાની આજે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાર્ટીના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા અને જનરલ સેક્રેટરી હમીદભાઈ ભટ્ટીએ આજરોજ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાર્ટી ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્ત્વ અને ત્રીજો વિકલ્પ પૂરો પાડશે. અમે પતંગના નિશાન સાથે રાજ્યની તમામ ચૂંટણીમાં ઝંપલાવીશું.
પત્રકાર પરિષદમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, હાલની ભાજપ સરકારે મુસ્લિમ, દલિત, આદિવાસી, ગરીબ અને પછાત વિસ્તારોના વિકાસની ગંભીર અવગણના કરી છે, જેના કારણે હજી પણ લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નિષ્ફળ રહી હતી. એ ઉપરાંત વિરોધપક્ષમાં પણ રહીને કોંગ્રેસ જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. વર્તમાન સ્થિતિને જોતાં ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી છૈંસ્ૈંસ્ પાર્ટી આગામી સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા ૧૫ વોર્ડ પર તો ભરૂચમાં ધારાસભ્ય છોટુ વસાવાની મ્ઁ પાર્ટી સાથે ગઠબંધનમાં બેઠકોની સંખ્યા નક્કી કરી ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ સાથે પાર્ટીના ચીફ ઓવૈસી પણ અમદાવાદ અને ભરૂચમાં સભાઓ કરવા આવે તે માટેના પ્રયત્નો ચાલુ છે. પાર્ટીના ગુજરાતના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટીએ જણાવ્યું હતું કે અમે આજે મેમ્બરશિપ ડ્રાઈવ અંતર્ગત ફોનનંબર જાહેર કર્યો છે ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ અમારું ધ્યાન અમદાવાદ અને ભરૂચમાં યોજાનારી ચૂંટણીઓ પર છે, જે અંતર્ગત અમારી પાર્ટી વતી ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોના બાયોડેટા જોયા બાદ તેમની સાથે વ્યક્તિગત મુલાકાતો યોજવામાં આવી રહી છે. આ ચૂંટણીઓમાં અમે સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ માટે કટિબદ્ધતા સાથે જનતાની વચ્ચે જઈશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમોને ભાજપનો ડર બતાવી ચૂંટણીમાં મુસ્લિમોના મતો અંકે કર્યા છે. અમારી પાર્ટી ને ભાજપની બી ટીમ ગણાવનારી કોંગ્રેસ પોતે ભાજપની બી ટીમ છે. તેમના ધારાસભ્યો ચૂંટાઈને ભાજપમાં ભળી જાય છે. હવે મતદારો જાગી ગયા છે અને આવનારી ચૂંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે સારું પ્રદર્શન કરશે તેવી અમને આશા છે.
Recent Comments