(એજન્સી) નવી દિલ્હી, તા.ર
મુસ્લિમ સમુદાયને બદનામ કરવા અને મુસ્લિમ પુરૂષોથી દેશની જેલ ભરવા સત્તારૂઢ શાસક દ્વારા પ્રસ્તાવિત ટ્રિપલ તલાક કાયદાને કાવતરું ગણાવીને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB)એ વખોડી કાઢ્યું છે. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) બિલ ર૦૧૭ અથવા ટ્રિપલ તલાક બિલ મુદ્દે મુસ્લિમો સમુદાય સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર સંસદમાં પ્રસ્તાવિત કાયદો પસાર કરવાના સરકારના પ્રયત્નો અંગે ગુસ્સે ભરાયેલા AIMPLBએ મોદી શાસનની ટીકા કરી હતી.
સરકાર કહે છે કે, ટ્રિપલ તલાક બિલ મહિલાઓના હિતમાં છે. જો કે AIMPLBના સેક્રેટરી ફઝલુર્રહેમાન મુજદ્દીદીએ જણાવ્યું કે, બોર્ડ ટ્રિપલ તલાક બિલને મહિલાઓ અને દંપતી વિરૂદ્ધનું માને છે અને સખત શબ્દોમાં આ બિલને વખોડી કાઢીએ છીએ. મુજદ્દીદીએ કહ્યું કે, તેઓ ટ્રિપલ તલાકને સંગીન અપરાધ કેમ બનાવે છે ? આ બિલ મુસ્લિમ સમુદાયને બદનામ કરવા અને મુસ્લિમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું એક કાવતરું છે. બોર્ડના સભ્ય કમલ ફારૂકીએ ટ્રિપલ તલાક બિલને ગુનાખોરીનો કાયદો બનાવવાની જરૂરિયાત પર પ્રશ્ન કર્યો કે, સુપ્રીમ કોર્ટે પહેલાંથી ટ્રિપલ તલાક બિલને ગેરબંધારણીય ઘોષિત કરી દીધું છે અને તેથી આજથી આ કાયદો ગેરકાયદેસર છે.