(એજન્સી) નવી દિલ્હી, તા.૪
પુલવામા આંતકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલા હવાઇ હુમલામાં કેટલા આતંકવાદી માર્યા ગયા તેને લઇને રાજકીય ગરમાટો વ્યાપ્યો છે. વિવિધ ભારતીય મીડિયા રિપોટ્‌ર્સમાં અલગ-અલગ આંકડા આવ્યા બાદ હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે, વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં આશરે ૨૫૦ આતંકવાદી માર્યા ગયા છે. શાહે કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇકમાં ૨૫૦ આતંકવાદીઓને માર્યા છે. ગુજરાતના અમદાવાદમાં લક્ષ્ય જીતો કાર્યક્રમનો સંબોધિત કરતા તેમણે પાછલા પાંચ વર્ષમાં બે મોટી આતંકવાદી સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ઉરી અને પુલવામામાં બે મોટા આતંકવાદી હુમલા થયા. ઉરીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આપણા જવાનોની શહાદતનો બદલો લીધો. પુલવામા હુમલા બાદ દરેક વિચારતા હતા કે, સર્જિકલ સ્ટ્રાઇક ના થઇ શકે. ત્યારે પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારે હુમલાના ૧૩મા દિવસે જ એરસ્ટ્રાઇક કરી અને ૨૫૦થી વધુ આતંકવાદી માર્યા. આ સાથે જ શાહે સૂરતની રેલીમાં સેનાના સાહસ પર શંકા અને ભારતીય વાયુસેનાના હવાઇ હુમલાના પુરાવા માગવા સામે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ પાકિસ્તાનના ચહેરા પર ખુશી લાવ્યા. જો પાર્ટીઓ સાહસની પ્રશંસા ના કરી શકે તો તેમણે ચૂપ રહેવું જોઇએ. બીજી તરફ વાયુસેનાના પ્રમુખે પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના અધ્યક્ષ અમિત શાહના દાવાને ધરમૂળથી ફગાવી દીધો છે.
વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ સોમવારે જણાવ્યું હતું કે, વાયુસેના મરનારાઓની ગણતરી કરતી નથી અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર હવાઇ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સરકાર જણાવશે. તેમણે કહ્યું કે, મરનારાઓની સંખ્યા નિર્ધારિત કરાયેલા ઠેકાણાઓમાં હાજર રહેલા લોકોની સંખ્યા પર આધાર રાખે છે. બાલાકોટમાં જૈશે મોહંમદના ઠેકાણાઓ પર કાર્યવાહી બાદ પ્રથમવાર પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, રાફેલ લડાકુ વિમાન સપ્ટેમ્બર સુધી ભારતના શસ્ત્ર ભંડારમાં આવવાની આશા છે. જ્યારે દુશ્મન હુમલો કરે તો જવાબ આપવા માટે હાજર રહેલા દરેક વિમાનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની વિમાનનો મુકાબલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલું મિગ-૨૧ વિમાન આધુનિક હથિયાર પ્રલાણીથી લેસ એક ઉન્નત વિમાન હતું. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો ઉલ્લેખ કરતા ધનોઆએ કહ્યું કે, તેઓ રાજનીતિ પર કોઇ ટિપ્પણી કરવા માગતા નથી પરંતુ અધિકારી સ્વદેશ પરત ફર્યો તેની ખુશી છે. પાકિસ્તાને ૨૭મી ફેબ્રુઆરીએ અભિનંદનનું વિમાન મિગ-૨૧ તોડી પાડીને તેને હિરાસતામાં લીધા હતા. અભિનંદન ફરી ભવિષ્યમાં લડાકુ વિમાન ઉડાવશે કે કેમ તે અંગે તેમણે કહ્યું કે, અમે કોઇપણ પાયલટના સ્વાસ્થ્ય અંગે કોઇ સમજૂતી નથી કરતા. જો અભિનંદન સ્વસ્થ હશે તો વિમાન ઉડાવશે. વિંગ કમાન્ડર અભિનંદનને દરેક જરૂરી સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવાશે. અભિનંદનને ગત શુક્રવારે જ મુક્ત કરવામાં આવ્યો હતો.
અમિત શાહના નિવેદન સામે કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પણ સવાલ ઉભા કર્યા છે અને કહ્યું છે કે, જ્યારે વાયુસેનાના અધિકારીઓ કોઇ આંકડા આપી રહ્યા નથી ત્યારે અમિત શાહ આ પ્રકારનું નિવેદન શા માટે આપી રહ્યા છે. શુ આ એરસ્ટ્રાઇકને રાજનીતિ સાથે જોડવું નથી ? તેમણે ટિ્‌વટમાં કહ્યું કે, એરફોર્સ અધિકારી આરજીકે કપૂરે કહ્યું હતું કે, આતંકીઓના મોતનો આંકડો આપવો ઉતાવળિયું ગણાશે પરંતુ અમિત શાહ કહે છે કે, એર સ્ટ્રાઇકમાં ૨૫૦ આતંકવાદીઓ માર્યા ગયા. શું આ અર સ્ટ્રાઇકનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ નથી ?