(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એર ઇન્ડિયા વેચવાની ઓફરમાં કોઇ પણ રોકાણકારે રસ બતાવ્યો નહીં હોવાથી તેમની સરકારના મોસ્ટ હાઇ-પ્રોફાઇલ ખાનગીકરણના પ્લાનને ફટકો પડ્યો છે. મોદી સરકારનો એર ઇન્ડિયાના ખાનગીકરણના પ્લાનનો ઉદ્દેશ નુકસાન કરતી એર ઇન્ડિયાનો નિકાલ કરવાનો છે. એર ઇન્ડિયા લિમિટેડનો ૭૬ ટકા હિસ્સો ખરીદવા માટે કોઇ પણ કંપની કે બિડર આગળ આવ્યો નથી. આ બાબત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલા આર્થિક સુધારાઓ આગળ ધપાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી માટે પણ એક આંચકો છે. ગુરૂવારે તેના બિડિંગની મુદ્દત પુરી થઇ ગઇ છે. આ ખાનગી બાબત હોવાથી ઓળખ જાહેર નહીં કરવાની શરતે એક વ્યક્તિએ પત્રકારોને જણાવ્યું કે આગામી થોડાક દિવસમાં સરકાર ભાવિ પગલાંની યોજના અંગે નિર્ણય લેશે. કેન્દ્ર સરકારે માર્ચમાં એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. સરકાર એવું માનતી હતી કે એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સા વેચવાથી ૫.૧ અબજ ડોલરનું એર ઇન્ડિયાનું દેવું ખતમ કરી શકશે પરંતુ સંભવિત દાવેદારો એર ઇન્ડિયા ખરીદવામાં પાછળ ખસી જવાથી હવે સમસ્યા વધુ ઘેરી બની ગઇ છે.
એર ઇન્ડિયાના સંભવિત બિડર્સમાં સિંગાપુર એરલાઇન્સ લિમિટેડ, કતર એરવેઝ લિમિટેડ અને તાતા ગ્રુપ સામેલ હતા પરંતુ મુદ્દત પુરી થઇ ત્યાં સુધી તેમનામાંથી કોઇ પણ બિડર આગળ આવ્યું નથી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર એર ઇન્ડિયાના હિસ્સા વેચવાની શરતોમાં ફેરફાર કરવા અંગે વિચાર કરી રહી છે.