(એજન્સી) નવી દિલ્હી, તા.પ
પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ આજે ઈડી સમક્ષ એમણે અપાયેલ સમન્સના અનુસંધાને હાજર થયા હતા. એરસેલ-મેક્સિસના નાણાંની ગેરકાયદેસર હેરફેર સંદર્ભે પૂછપરછ માટે ઈડીએ ચિદમ્બરમને બોલાવ્યા હતા.
આ પહેલી વખત બન્યું છે કે વરિષ્ઠ કોંગ્રેસી નેતાને કેસ સંદર્ભે એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હોય.
એજન્સીની કચેરી ઉપર ચિદમ્બરમ પોતાના વકીલ સાથે સવારે ૧૦.પ૮ કલાકે હાજર થયા હતા. બે કલાકની પૂછપરછ પછી એજન્સીએ એમને ૧.૩૦ વાગે જવા દીધા હતા. ફરીથી ૩.૦૦ વાગે એમની પૂછપરછ શરૂ કરાશે.
એજન્સીએ એમને સમન્સ પાઠવ્યું હતું જેના આધારે તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમને ભીતિ હતી કે એમની ધરપકડ કરવામાં આવશે પણ હાઈકોર્ટે જો કે એજન્સીને નિર્દેશો આપ્યા છે કે ૧૦મી જુલાઈ સુધી ચિદમ્બરમ સામે કોઈપણ પ્રકારના સખત પગલાં લેવામાં નહીં આવે જેમાં ધરપકડ પણ સમાવિષ્ટ થાય છે. એરસેલ મેક્સિસ કેસમાં કાર્તિ ચિદમ્બરમની સંડોવણી છે જેના પગલે એમની ધરપકડ પણ કરાઈ હતી. આ કેસમાં ચિદમ્બરમની એમણે વિદેશી મૂડીરોકાણના નિયમોનું ઉલ્લંઘન કરી વિદેશી નાણાં રોકવાના સોદાને મંજૂરી આપવામાં મદદ કરી હતી. જે તે વખતે એ નાણામંત્રી હતા. એમણે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી એફઆઈપીબીની મંજૂરી આપી હતી.