(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૮
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પોતાના મોદી વિશેના નિવેદન અંગે ખેદ વ્યકત કરી લીધો હોય છતાં અને તેમને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દેવાયા હોવા છતાં વડાપ્રધાન મોદીને તો ચૂંટણી ટાણે મુદ્દો મળી ગયો હોય તેમ આજે બીજા દિવસે પણ તેમણે મણિશંકર ઐયરને તેમના નિવેદન અંગે બરોબર આડેહાથ લેવાનું જારી રાખી આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ ભાભરની સભામાં પોતાની સામેના નીચ અંગેના નિવેદનને ગુજરાતની જનતાને આપેલી ગાળ સમાન ગણાવ્યું હતું. આ ગાળ મને દીધી કે સમગ્ર પછાત સમાજને દીધી ? ગુજરાતને દીધી છે ? તેઓએ પાકિસ્તાનમાં જઈને મોદીની સોપારી આપી છે ? તેવા વેધક સવાલો પણ મોદીએ ઉઠાવ્યા હતા. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે તો બીજી તરફ બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. બનાસકાંઠાના ભાભર ખાતે આજે વડાપ્રધાન મોદીની સભામાં તેમણે કોંગ્રેસને વિવિધ મુદ્દે બરોબરનો ઘેરવા પ્રયાસ કર્યો હતો તેમણે ઐયરના નિવેદનને સમગ્ર ગુજરાતની પ્રજા સાથે જોડી મતદાનમાં હિસાબ ચૂકતે કરવા પ્રજા સમક્ષ લાગણીઓ છેડતી હાકલ કરી હતી. તેમણે લોકોની હાજરી મુદ્દે કહ્યું કે જે લોકો ચૂંટણીના વર્તારા (ઓપીનિયન) કરે છે તેઓ આવીને જુએ ૧૮મી તારીખે શું થવાનું છે. મોદીએ એયર પર પ્રહારો કરતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર જયારે હું પ્રધાનમંત્રી બન્યો એ પછી એ પાકિસ્તાન ગયા હતા અને ત્યાં મીટિંગ કરીને ચર્ચા કરે છે કે હવે મોદી આવી ગયા છે તો જયાં સુધી એમને રસ્તામાંથી નહીં હટાવો તો ભારત-પાકિસ્તાનના સંબંધો નહીં સુધરે મોદીએ વીડિયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં જઈને ખુસપુસ કરતા હતા અને પાકિસ્તાનમાં જઈને મોદીની સોપારી આપે છે ? તેવો સવાલ પણ કર્યો. નર્મદાની વાત કરીને કહ્યું, ભાજપની પાણીદાર સરકાર આવી અને નર્મદાનું પાણી લાવી મોદીએ કહ્યું ભાજપને કારણે નર્મદાના પાણી આ પ્રદેશમાં આવ્યા છે. આ સાથે તેમણે ટપક સિંચાઈ પધ્ધતિ બધાના વિરોધ વચ્ચે લાવવાની વાત પણ કહી હતી.