(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના પાંડસેરા આવાસ અર્બન હેલ્થ સેન્ટરની પાછળ ખુલ્લા મેદાનમાં આવેલી ડ્રેનેજ લાઇનની કુંડીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. કુંડીમાંથી લાશ મળી આવી હોવાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. મહિલાની ઓળખની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસ દ્વારા મહિલાની હત્યા કરી ડ્રેનેજ લાઇનની કુંડીમાં નાખી દેવામાં આવી હોવાની આશંકા સેવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં પાલિકાના નવનિર્મીત શોપીંગ કોમ્પલેક્ષમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પાંડેસરા પોલીસ મથકની હદમાંથી ડ્રેનેજ લાઇનની કુંડીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હોવાની માહિતી મળતાં પોલીસ દોડતી થઇ છે. મહિલાની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે લાશને ડ્રેનેજ લાઇનની કુંડીમાં નાંખી હોવાની આશંકા જણાઇ રહી છે. પોલીસે કુંડીમાંથી લાશ કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી અને ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી હતી. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ મોકલી આપી હતી. જો કે, મહિલાના મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. હાલ પોલીસે હત્યાની આશંકાના પગલે મહિલાની ઓળખ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.