(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા ઇસમને ગતરોજ મોડી રાત્રીના સુમારે ત્રણ અજાણ્યા ઇસમોએ આંતરી ચપ્પુ બતાવી રોકડા રુા.૬૬૦૦ની લૂંટ કરી પગના ભાગે ચપ્પુના ઘા ઝીંકી નાસી છુટ્યા હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. શહેરના અમરોલીના ભરથાણા ગામ રામદર્શન સોસાયાટીમાં રહેતો રાધેશ્યામ (ઉ. વ. ૨૨) ગતરોજ રાત્રેના આઠ વાગે પાતોના કામ પરથી ચાલતા ચાલતા પોતાના ઘરે જતો હતો. ત્યાં એક મોટરસાઇકલ પર ત્રણ અજાણ્યા ઇસમો તેની પાસે આવ્યા હતા. જેમાંથી પાછળ બેસેલ બે ઇસમો નીચે ઉતરી એક ઇસમે ચપ્પુ કાઢી રાધેશ્યામને ગળા પર મુકી રાધેશ્યામના પાકિટમાંથી રૂપિયા ૬૬૦૦ કાઢી લીધા હતા. જો કે, બાદમાં પણ અજાણ્યા ઇસમોએ રાધેશ્યામને ચપ્પુના ઘા ઝીંકી જમણા હાથની વચ્ચેની આંગળી તથા ડાબા પગના થાપા પર ચપ્પુ વડે ઇજા કરી નાસી છુટ્યા હતા. બનાવને પગલે રાધેશ્યામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં રાધેશ્યામ અમરોલી પોલસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય અજાણ્યા ઇસમો સામે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.