(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૬
મોડાસા એસટી બસ સ્ટેેશન ખાતે ગુરૂવારના રોજ આશરે ૪ વાગ્યાની આસપાસ ત્રણ બાળકો સાથે ૧૯ વર્ષીય યુવતી સંદિગ્ધ હાલતમાં જણાતાં બસ સ્ટેન્ડ પર હાજર રહેલા મુસાફરો પૈકી કોઈકે યુવતીના મોબાઈલ ઉપરથી જ મહિલા હેલ્પલાઈન ૧૮૧ અભયમ ઉપર ફોન કરતાં તાત્કાલિક અભયમના કાઉન્સેલર જીજ્ઞાબેન અને મહિલા કોન્સ્ટેબલ ઈલાબેન સ્થળ ઉપર પહોચ્યા હતા અને ત્રણ બાળકો અને મહિલાનો કબ્જો લઈ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. ત્યાર બાદ ૧૮૧ હેલ્પલાઈનની કચેરીએ જઈ યુવતી અને બાળકોનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યુવતીના જણાવ્યા પ્રમાણે તેણીના ભાઈ-ભાભી ત્રણ માસ અગાઉ અકાળે મૃત્યુ પામેલ હોય અને તેઓના ત્રણ સંતાનોને લઈ ઉત્તરપ્રદેશથી ગુજરાતના ગાંધીધામ ખાતે ખાનગી હોટલમાં કામ કરવા માટે આવી હતી. યુવતીના જણાવ્યા મુજબ મંગળવારના દિવસે અજાણ્યા ચાર ઈસમો દ્વારા કાળા રંગની જીપમાં બાળકો અને યુવતીને બેસાડી બુધવારના દિવસે મોડાસા આસપાસ બેભાન અવસ્થામાં છોડી ભાગી ગયા હતા. બે દિવસથી રઝળતા બાળકો અને યુવતી મોડાસા બસ સ્ટેન્ડ પર આવી પહોંચતા ત્યાં યુવતી બાળકો સાથે જણાતા મુસાફરોએ પુછપરછ હાથ ધરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલામાં મહિલાનું ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલિંગ કરી મેડિકલ તપાસ કરાવી હિંમતનગર નારી ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.