(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાલિકાના નવનિર્મિત શોપિંગ કોમ્પલેક્ષમાંથી યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હતી. યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘાના નિશાન મળી આવ્યા છે. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં ૧૫ દિવસમાં શહેરમાં ઉપરા છાપરી ચાર હત્યાના બનાવો બની ચૂક્યા છે. ગુનેગારોમાં પોલીસનો ડર રહ્યો ન હોય તેવુ હાલની પરિસ્થિતિ જોઇને લાગી રહ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગર ભેદવાડ ચોકડી સામેના એસએમસીના નવનિર્મિત શોપિંગ કોમ્પલેક્ષમાં બની રહ્યું છે. જેમાં મધરાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ એક યુવકની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા. સવારે મજૂરી કામ કરવા માટે આવેલા મજૂરોને હત્યા કરાયેલી લાશ દેખાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પોલીસ કંટ્રોલે પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જ્યાંથી પોલીસને દારૂના ખાલી ગ્લાસ અને બોટલ પણ મળી આવી છે. અજાણ્યા યુવકની ગ્રાઉન્ડ ફ્‌લોર પરથી લગભગ ૨૦૦ મીટર ઘસડીને ચોથા માળે લઈ ગયા બાદ દીવાલ સાથે અથડાવીને ચપ્પુના ઘા મરાયા હોય તેવું પ્રાથમિક તપાસનું તારણ છે. આ હત્યા પાછળ નજીકના જ પરિચિત યુવકો હોય તેવી આશંકા પોલીસને દેખાઇ રહી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશનો પી.એમ. અર્થે સિવિલમાં મોકલી આપી છે. પોલીસે આજુબાજુના વિસ્તારોમાં યુવકની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમોને કામે લગાડી છે.