કોલંબો, તા.૨૯
શ્રીલંકા વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર કરવામાં આવી છે. સોમવારે ન્યૂઝીલેન્ડની ટીમની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિરીઝ માટે જાહેરાત થઈ છે. વિશ્વ કપ ૨૦૧૯ની ફાઇનલમાં થયેલા પરાજય બાદ કીવી ટીમનો આ પ્રથમ પ્રવાસ છે.
કેન વિલિયમસનની આગેવાનીમાં કીવી ટીમ શ્રીલંકામાં બે ટેસ્ટ મેચ રમશે. બંને દેશો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બે મેચ ૧૪થી ૧૮ ઓગસ્ટ અને ૨૨થી ૨૬ ઓગસ્ટ વચ્ચે રમાશે. આ સિવાય શ્રીલંકાના પ્રવાસ પર ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ પણ રમશે.
એશિયામાં રમવા માટે ન્યૂઝીલેન્ડ ટીમની પસંદગીકારોએ સ્પિનરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ૧૫ સભ્યોની ટીમમાં ૪ સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે.
ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૧૪ ટેસ્ટ મેચની સિરીઝ ૬ દેશો વિરૂદ્ધ રમશે. ૯ દેશો વચ્ચે ૧ ઓગસ્ટથી ૨૦૨૧ સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૨૭ ટેસ્ટ સિરીઝ રમાવાની છે.
શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, જીત રાવલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વેટલિંગ, ટોમ બ્લુંડેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટોડ એસલે, ટિમ સાઉદી, વિલ સમરવિલે, નેલ વેગ્નર, એજાજ પટેલ અને ટ્રેન્ટ બોલ્ટ.