ભાવનગર, તા.ર૯
ભાવનગર સહિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચારનો ધમધમાટ અને ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ગયા છે. રાજકીય પક્ષના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ભાવનગર જિલ્લામાં આવી રહ્યા છે. આજે બુધવારે ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી હતી જ્યારે આવતી કાલે તા.૩૦ને ગુરૂવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઢડાના ઉમેદવાર પ્રવિણ મારૂના સમર્થનમાં આ મત વિસ્તારની મુલાકાત લેશે. રાહુલ ગાંધી સવારે ૧૧ વાગે ઢસા ખાતે આવી પહોંચશે જ્યાં કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન સાથે રોડ શો કરશે જ્યારે બપોરે ૧ર કલાકે ગઢડામાં સામા કાંઠે કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત સન્માન બાદ રાહુલ ગાંધી ૧રઃ૩૦ કલાકે ગોપીનાથ સ્વામીનારાયણ મંદિર દર્શન કરશે ત્યારબાદ બપોરે ૧ વાગે ગઢડામાં સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરી બોટાદ તરફ પ્રસ્થાન કરશે. બોટાદમાં સ્વાગત સન્માન અને સભા બાદ બરવાળાથી બપોરે ૩ કલાકે વલ્લભીપુર આવી પહોંચશે જ્યાં સ્વાગત સન્માન તેમજ બપોરે ૩ઃ૩૦ કલાકે ચોગઠના ઢાળ પાસે ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ ગોઠવાયો છે. જ્યારે બપોરે ૩થી ૪ના સમય દરમ્યાન ભાવનગર શહેરના નારી ચોકડી પાસે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે જેમાં ભાવનગરના પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર દિલીપસિંહ ગોહિલ અને ભાવનગર પૂર્વના ઉમેદવાર નીતાબેન રાઠોડ માટે ચૂંટણી પ્રચાર કરશે. ત્યારબાદ ભાવનગર એરપોર્ટથી ચૂંટણી પ્રચાર અર્થે રવાના થશે.