ડીસા, તા.૧૧
ગુજરાત વિધાનસભાની જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો એડી-ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આવતીકાલે રવિવારે પણ બંન્ને રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે આવી રહ્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પાટણ-બનાસકાંઠા જિલ્લાના કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે તો કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હવાઈ પિલ્લર મેદાનમાં જાહેરસભા સંબોધશે. જેથી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવા માટે ડીસા આવી રહ્યા છે. તેઓ પાલનપુર હાઈવે પર ભોંયણ પાસે આવેલા હેપ્પી પાર્ટી પ્લોટ ખાતે પાટણ અને બનાસકાંઠા બંને જિલ્લાના કાર્યકરો અને પેજ પ્રમુખો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ નવસર્જન યાત્રાને અનુલક્ષીને બનાસકાંઠામાં ચાર જગ્યાએ ચૂંટણી સભા યોજવાના છે. જેમાં તેઓ ડીસા ખાતે હવાઈ પીલ્લર મેદાનમાં જાહેરસભા સંબોધશે. આવતીકાલે એક સાથે બે દિગ્ગજ નેતાઓ એક જ દિવસે આવવાના હોઈ તેને અનુલક્ષીને પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓએ શનિવારે બન્ને સભાસ્થળની રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પોલીસ વડા નિરાજકુમાર બડગુજરે જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા માટે ૧૫૦૦થી પણ વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.