(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૯,
વોર્ડ નં.૧૧ ની યોજાયેલી પેટા ચૂંટણીની મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે. અહીંની બેઠક પર અત્યંત નિરાશાજનક મતદાન થયું હોઇ સવારે ૯ કલાકે ટ્રેન્ડ અને ૧૧ વાગ્યા સુધી પરિણામ જાહેર થઇ જાય તેમ મનાઇ રહ્યું છે. વોર્ડ નં.૧૧ની પેટા ચુંટણી માટે ગતરોજ મતદાન યોજાયું હતું. માત્ર ૨૪.૧૭ ટકા જેટલું અત્યંત નિરસ મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ સંપન્ન થતાં પોલીસને રાહત થઇ હતી. જે બાદ મંગળવારે આ માટેની મત ગણતરી હાથ ધરવામાં આવશે. ઓછુ મતદાન થયું હોવાથી તેનું પરિણામ ખુબ ઝડપથી જાહેર થઇ શકે છે. કોઇ સરકારી વોટર ન હોવાથી મતદાન મથકોએ સીધા ઇવીએમની ગણતરી હાથ ધરાશે તો એક રાઉન્ડમાં ૨૪ ઇવીએમનું કાઉન્ટીંગ થશે. આ સાથે માત્ર ૮૫ બુથનું કાઉન્ટીંગ થવાનું હોઇ મોડામાં મોડુ ૧૧ વાગે પરિણામ જાહેર થાય તેમ મનાઇ રહ્યું છે.