નવી દિલ્હી, તા.૩૧
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટી-૨૦ ટીમથી બહાર કર્યા બાગ ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંત પ્રતિક્રિયા આપી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર અજીત અગરકરે ટી-૨૦થી ધોનીને બહાર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ વર્ષે અત્યાર સુધી માહીનો ફોર્મ કઇ ખાસ રહ્યું નથી અને વેસ્ટ ઇન્ડીઝની સાથે અત્યાર સુધી થયેલા ૪ વનડે મેચમાં તે કઇ ખાસ કરી શક્યા નથી.
અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાટની સાથે ચર્ચા કરતા કહ્યું કે ભારતીય ટીમના ભવિષ્યને જોતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમથી બહાર કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. જેના માટે મુખ્ય પસંદકર્તાને નિશાન બનાવવા નિરાશાજનક છે. ટીમના ભવિષ્ય અને આગામી ટી-૨૦ વર્લ્ડ કપને જોતા આ નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે.
અગરકરે કહ્યું કે ૨૦૨૦માં ટી-૨૦ વર્લ્ડ કપ રમવો છે તો તે પહેલા ઋષભપંતને તક આપવી જોઇએ. પંત ધોનીનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જેથી તેને ટીમની સાથે દરેક પરિસ્થિતિમાં તાલમેળ માટે સમય આપવો જોઇએ. જો ટીમની પસંદગી માત્ર પ્રદર્શન છે તો તેના આધાર પર પણ ડ્રોપ કરવાના નિર્ણયને ખોટો ન કહી શકીએ. ટી-૨૦ ક્રિકેટરમાં ધોનીની હાલની ફોર્મ વધારે અસરકારક રહી નથી અને માત્ર તેનો રેકોર્ડ અને નામ જોતા તેને ટીમનો ભાગ બનાવી શકાય નહીં.