(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
સુપ્રીમકોર્ટમાં બંધારણના અનુચ્છેદ ૩૫એની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલુ છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જમ્મુ અને કાશ્મીરનું અલગ બંધારણ એક ત્રુટિ હોવાની ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. તેમણે એ બાબત ઉપર પણ ભાર આપ્યો કે સાર્વભૌમત્વ સાથે ક્યારેય બાંધછોડ કરી શકાય નહીં. તેમણે એવું પણ કહ્યું કે સાર્વભૌમત્વની નબળી અને ખોટી રીતે વ્યાખઅયા કરી શકાય નહીં. અનુચ્છેદ ૩૫એ હેઠળ જમ્મુ અને કાશ્મીર અને ત્યાંના કાયમી નિવાસીઓને ખાસ પ્રકારના અધિકાર અને કેટલાક વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના રોષે ભરાયેલા સાંસદોએ શું ડાભોલની ટિપ્પણીઓને કેન્દ્રનું સમર્થન છે કે કેમ ? એવો પ્રશ્ન કર્યો છે. દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ વિશે લખાયેલા એક પુસ્તકના વિમોચન સમારંભને સંબોધતા ડોભાલે જણાવ્યું કે દેશની મજબૂત આધારશીલ રાખવામાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે ડોભાલે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે સરદાર પટેલનો ફાળો માત્ર રાજ્યોના વિલસ સુધી મર્યાદિત નથી પરંતુ દેશને સાર્વભૌમત્વ રીતે સંપન્ન બનાવવામાં પણ તેમનો ફાળો મહત્વનો છે. દેશને સાર્વભૌમ બનાવવા માટે બંધારણમાં લોકોની સાર્વભૌમત્વતા સ્થાપિત કરવામાં આવી છે અને દેશનું બંધારણ સમગ્ર દેશમાં લાગુ થયેલું છે પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય બંધારણ સંપૂર્ણપણે લાગુ કરાયું નથી. કારણ કે જમ્મુ-કાશ્મીરનું પોતાનું પણ બંધારણ છે, જે કદાચ એક નૈતિક ભુલ કે ત્રુટિ છે. તેમણે કહ્યું કે અંગ્રેજ જ્યારે ભારત છોડીને ગયા તો કદાચ તેઓ ભારતને એક મજબૂત સાર્વભૌમ દેશના સ્વરૂપમાં છોડીને જવા માગતા ન હતા. આ બાબતના સંદર્ભમાં કદાચ સરદાર પટેલે અંગ્રેજોની યોજના સમજી લીધી હતી કે તેઓ દેશમાં કેવી રીતે વિભાજન કે ભાગલાના બીજ રોપવા માગે છે. અંગ્રેજી શાસનથી આઝાદીના મુદ્દા અંગે બોલતા ડોભાલે એવું પણ કહ્યું કે બ્રિટિશ શાસનની યોજના હતી કે દેશના વિભિન્ન રાજ્યોને પોતાના વિશે નિર્ણય લેવાનો અધિકાર મળે. અંગ્રેજોનો ઇરાદો દેશમાં અરાજકતાનો માહોલ પેદા કરવાનો હતો. આવી પરિસ્થિતિમાં સરદાર પટેલે એક દેશ, એક કાયદો અને એક બંધારણનો નિયમ લાગુ કરાવ્યો. સરદાર પટેલે આઝાદી વખતે અસંખ્ય રજવાડાઓને એક બંધારણ અને એક ધ્વજ હેઠળ એકત્રિત કર્યા હતા પરંતુ તે વખતના કાશ્મીરના મહારાજા હરીસિંહે ભારત સાથે જોડાવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે હું કોઇની ટીકા કરી રહ્યો નથી પરંતુ અહિંસાનો માર્ગ એવો માર્ગ છે, જેના કારણે આપણે લોકો આઝાદી માટે ચુકવવામાં આવેલી કીમતથી અજાણ રહ્યા છીએ.
જમ્મુ અને કાશ્મીર માટે અલગ બંધારણીય એક ભૂલ હતી : અજીત ડોભાલ

Recent Comments