(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)એ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં દરોડા પાડીને આઇએસઆઇએસથી પ્રેરિત શંકાસ્પદ આતંકી મોડ્યુલનો બુધવારે ઘટસ્ફોટ કર્યો હોવાનો દાવો કર્યો છે. એનઆઇએ દ્વારા આ બાબતના સંદર્ભમાં આશરે ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કરાયેલાઓ સામે રાજકીય હસ્તીઓ અને દિલ્હીમાં સરકારી કેન્દ્રો સહિત ઉત્તર ભારતના અન્ય ઘણા ભાગોમાં હુમલા કરવાનું ષડયંત્ર ઘડવાના આરોપ મુકવામાં આવ્યા છે. એનઆઇએએ ‘હરકત-ઉલ-હર્બે-ઇસ્લામ’ નામના નવા મોડ્યુલની પોતાની તપાસના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ૧૭ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દિલ્હી અને ઉત્તર પ્રદેશના મેરઠ, અમરોહા તેમ જ લખનઉમાં ૧૭ સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળેલા કથિત શસ્ત્રો અને વિસ્ફોટકોને પણ એનઆઇએ દ્વારા બતાવવામાં આવ્યા છે. એનઆઇએ દ્વારા કબજે કરવામાં આવેલા શસ્ત્રોમાં ઘરે બનેલી રિવોલ્વર પણ સામેલ છે, જેને દેશી કટ્ટા કહેવામાં આવે છે. આ કટ્ટાની સાથે જ ડઝન્સ ગોળીઓ પણ કબજે કરાઇ અને ઓછી તીવ્રતાવાળા બોમ્બ પણ કબજે કરાયા છે. આ બોમ્બ ફટાકડા જેવા દેખાતા હતા, જેનો મોટાભાગે દિવાળીમાં ઉપયોગ કરવામાં આવે છે.
એનઆઇએએ એવો દાવો પણ કર્યો કે પકડાયેલા લોકો દેશી કટ્ટા અને ફટાકડાથી ભારત પર હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા. એનઆઇએના કામકાજથી પરિચિત વરિષ્ઠ સરકારી ્‌ અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના ઇશારે બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આઇએસઆઇએસ મોડ્યુલ ઝડપી પાડવાના એનઆઇએના દાવા ઉઘાડા પડી ગયા છે. ભારતમાં ભયંકર હુમલા કરવા માટે ખતરનાક શસ્ત્રો તરીકે દિવાળીના ફટાકડા બતાવવા બદલ સોશિયલ મીડિયામાં અજીત ડોવાલની હાંસી ઉડાવવામાં આવી રહી છે.
એનઆઇએના ઇન્સપેક્ટર જનરલ (આઇજી) આલોક મિત્તલે પત્રકારોને જણાવ્યું હતું કે પકડાયેલા લોકો વિદેશી આકાઓના સંપર્કમાં હતા. જોકે, તેમના વિદેશી આકાઓની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી. પકડાયેલા ૧૬ લોકોમાંથી૧૦ની તપાસ એજન્સીએ ધરપકડ કરી છે જ્યારે બાકીના છ ની પૂછપરછ ચાલુ હોવાથી અન્ય ધરપકડ થવાની શક્યતા છે. મિત્તલે જણાવ્યું કે યુપીના લખનઉ, અમરોહા, હાપુડ અને પૂર્વોત્તર દિલ્હીના સીલમપુર અને જાફરાબાદથી શંકાસ્પદોની ધરપકડ કરાઇ છે. દરોડામાં જંગી જથ્થામાં વિસ્ફોટક સામગ્રી, દેશી રોકેટ લોન્ચર, ૧૦૦ મોબાઇલ ફોન અને ૧૩૫ સિમ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે. રોકડા ૭.૫ લાખ રૂપિયા પણ કબજે કરાયા છે. આ દરોડા બાદ એનઆઇએ અને અજીત ડોવાલ સોશિયલ મીડિયા પર પત્રકારો વચ્ચે મજાક જ બની ગયા છે. પત્રકારમાંથી ફિલ્મ નિર્માતા બનેલા વિનોદ કાપરીએ લખ્યું છે કે એનઆઇએ દ્વારા આઇએસઆઇએસના ભારતમાં ભયંકર આતંકી હુમલાના કાવતરાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે અને દરોડા દરમિયાન કબજે કરાયેલી અત્યંત ખતરનાક વસ્તુઓમાં દિવાળીના સુતળી બોમ્બ, દેશી બોમ્બ અને દેશી કટ્ટાનો સમાવેશ થાય છે અને આ વસ્તુઓ કે શસ્ત્રોનો આજકાલ મેરઠની શેરીઓના ગુંડાઓ પણ ઉપયોગ કરતા નથી.
એનડીટીવીના પત્રકાર ઉમાશંકર સિંહે લખ્યું છે કે આઇએસઆઇએસ પણ ઇન્ડિયા આવીને એટલું લાચાર થઇ જાય છે કે આરડીએક્સ નહી પરંતુ દિવાળીમાં બચી ગયેલા ફટાકડાથી ફિદાયીન હુમલા કરવાની યોજના બનાવે છે. આવા ભયંકર હુમલા ટાળવા બદલ એનઆઇએને અભિનંદન. આમ તો મુંગેરમાં બનેલા આ કટ્ટા (શસ્ત્રો)નો ઉપયોગ કરીને સીરિયામાં કેટલી સામુહિત હત્યા કરવામાં આવી, તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ લખ્યું છે કે અજીત ડોવાલનો આભાર, આઇએસઆઇએસ સૂતળી બોમ્બ અને સ્થાનિક કટ્ટાઓથી સુસજ્જ હોવાનું જાણીને હું વધુ સુરક્ષિત અનુભવી રહી છું. આઇએસઆઇએસ ગૌ આતંકવાદીઓથી ઓછું ભયંકર અને ડરામણું છે. આવી રીતે બધા યુઝર્સ એનઆઇએ દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સે એવું પણ જણાવ્યું કે ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના પરાજયને કારણે કેન્દ્ર સરકારે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રવાદની લાગણીઓ ભડકાવવાના એક પ્રયાસરૂપે ‘ભારત ખતરામાં હોવાની’ થિયરી અપનાવી છે.