(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ખાડીના બે અગ્રણી દેશો સઉદી અરબ અને સંયુક્ત અરબ અમિરાત (યુએઇ)ની મુલાકાતના એક ભાગરૂપે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોવાલે બુધવારે સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથેની બેઠકમાં કાશ્મીર અને અરામ્કો પર કરવામાં આવેલા હુમલા અંગે ચર્ચા કરી છે. સઉદી અરબે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ રદ કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના ભારતના પગલાનું સમર્થન કર્યું છે. કાશ્મીર મુદ્દે સઉદી અરબનું સમર્થન હાંસલ કરવાની બાબત ભારત માટે મહત્વની રાજદ્વારી સફળતા છે. સઉદી અરબ અને યુએઇ સાથે ભારતના ગાઢ સંબંધો છે. આ બંને દેશો સાથે ભારત ગુપ્તચર માહિતી શેર કરે છે. ડોવાલની સઉદી ક્રાઉન પ્રિન્સ સાથે આ મહત્વની મુલાકાત છે. બંનેએ પરસ્પર હિત અને મહત્વના મુદ્દાઓ અંગે ટોચના સ્તરે ચર્ચા-વિચારણા કરી છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારતના પગલાંનું આંતર રાષ્ટ્રીયકરણ કરવાના પાકિસ્તાનના પ્રયાસ માટે સઉદી અરબનું સમર્થન મેળવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનના સઉદી અરબના પ્રવાસના થોડાક જ દિવસો બાદ અજીત ડોવાલ સઉદી અરબનો પ્રવાસ ખેડી રહ્યા છે. સઉદી અરબની અરામ્કો ઓઇલ રિફાઇનરીઓ પર ડ્રોનથી ગયા મહિને કરવામાં આવેલા ભયંકર હુમલાથી પ્રદેશમાં તનાવ વધી ગયો છે અને ઓપેકે ઓઇલના ઉત્પાદનમાં ભારે ઘટાડો કરી દીધો છે. સઉદી ક્રાઉન પ્રિન્સ સાથે ડોવલની બેઠકમાં માત્ર કોઇ એક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી પરંતુ જમ્મુ અને કાશ્મીરના મુદ્દા સહિત દ્વિપક્ષીય સંબંધોના વિભિન્ન પાસાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ક્રાઉન પ્રિન્સ સાથેની બે કલાક લાંબી બેઠકમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને સુરક્ષાના મુદ્દાઓ અંગે ચર્ચા થઇ છે. સઉદી ક્રાઉન પ્રિન્સ જમ્મુ અને કાશ્મીરમાં ભારતની કાર્યવાહી અને વલણને સમજ્યા છે. ક્રાઉન પ્રિન્સે જણાવ્યું કે અમે જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા ભરવામાં આવેલા પગલાંને સમજીએ છીએ.
સઉદી ક્રાઉન પ્રિન્સ સાથેની બેઠકમાં NSA અજીત ડોવાલે કાશ્મીર, અરામ્કો પર હુમલા અંગે ચર્ચા કરી

Recent Comments